naagdaman - Akhyan | RekhtaGujarati

નાગદમન

naagdaman

પ્રેમાનંદ પ્રેમાનંદ
નાગદમન
પ્રેમાનંદ

ગુરુ ચર્ણ પંકજનું ધ્યાન રાખું, કાળીનાગ શ્રીકૃષ્ણનું જુદ્ધ ભાખું;

ગુરુ ગણપતિ સરસ્વતી શીશ નામું, શુક્વદન વાણીનો પ્રસાદ પામું.

હદે ઊપની મહારે અભિલાષા, બાંધું નાગદંમણ ગુજરાતી ભાષા;

કાલીદમન તે નાગદમણ કહાવ્યું, દડા કારણે દેવે જળમાં ઝંપલાવ્યું.

'શું છે કાજ, મહારાજ, દડાનું તહારે, મૂકો છોકરવાદી,' ગોવાળા વારે;

'તું વિના નંદરાય કેમ દેહ ધરશે; સુણી વાત જસોમતી સદ્ય મરશે.’

કહ્યું ગોપનું શામળો કેમ માને, ગ્રહી મુખમાં ગેડલી નાથ કા'ને;

કછી કાછ અંબોડલો શીશ વાળી, ઊંચા હાથ કરી દે છે નાથ તાળી.

જોડી પાગ રાખ્યા છે વૈકુંઠનાથે, બાંધી મહુઅર વાંસળી કટિ સાથે;

કીધો નાદ ઉન્માદ મહાક્રોધ આણી, કૂદ્યો કા'ન કોડામણો ચક્રપાણી.

બળચર્ણના ભારથી શેષ ચાંપ્યો, ચળ્યાં નક્ષત્ર ને ભાનુ કાંપ્યો;

ડોલ્યો મેરુ, કૈલાસ મહાદેવ બળિયો, મરજાદા મૂકી નિધિ ખળભળિયો.

ત્રઈ લોકનો ભાર બળ બહાર આવ્યું; જળ જમના મધ્ય વહાલે ઝંપાવ્યું;

નવ નાગનું કુળ કૃષ્ણે બિહાવ્યું, તળ સાતનું જળ બાહેર આવ્યું.

સાચે પડ્યો વારતા કેમ કરીએ ભાઈ, ઢળ્યા ગોપ ધરણે સહુ લહેર ખાઈ;

રુએ બાળકાં, લોચને નીર રેડે, બેસી કાંઠડે કૃષ્ણને બહાર તેડે.

સખા સર્વને શામળે દુઃખ દીધું, જસોદાસુતે જળવિષે શું રે કીધું?–

બેઠા બારણે સર્પને વનમાળી, મુખે બોલતા : 'કહાં ગયો સર્પ કાળી?'

મૂકે મુખ પર હાથ ને નેત્ર ઘોળે, દેખી નાગણ નાર મળી સર્વ ટોળે;

ઝળક ઝાંઝરી ઘૂઘરી પાયે કાંબી, છૂટા કેશ કો નારની વેણી લાંબી.

મુખચંદ્ર ગજેંદ્રની ચાલ ચાલે, ગૌર ઉદર પર હેમનો હાર હાલે;

ખડકાવતી ચૂડલો, ચપળ જોતી, નથ ઢળકતી નિર્મળ નાકે મોતી.

પહેર્યાં ચીર ચરણાં, મણિ માથે ઝળકે, દેતી હાથ મોડે હીંડે હલકે હલકે;

પૂછે નાથને નાગણી શીશનામી, 'તારું રૂપ જોઈ અમો પ્રીત પામી.

ધન્ય માવડી તાહરી, પુત્ર જાયો, સુખી તાતનો બાળ છે લાડવાયો;

કોણ ગામ, કોણ નામ છે, ન્યાત તારી, કર ગેડલી મહુવર વેણુ ધારી.

રાતી આંખની રેખ છે સુભટ શૂરા, બોલો બાળુવા લાડલક્ષણ પૂરાં;

તારા નાકનું મોતી અધર લાગે, તારું મુખ જોતાં ભૂખ તર્ષ ભાગે.

આપું આસન, બેસો બાળક નાના, જાગે નાગ કાળી, બોલો છાના છાના;

અહાં આવતાં કા'ન કહો કાં બીના? મોટું આશ્ચર્ય પામી જે શે ભીના.’

કો કહે રાખએ એહને આંહીં વાસે, કો કહે માત એની બાઈ મરી જાશે;

કો કહે, 'બ્રહ્માએ બાળક નથી ઘડિયો, ધન્ય માતપિતા જેને પેટ પડિયો.

ભૂગુલાંછન શ્રીવત્સ રૂડું લાગે, જુએ નામ તળુવાં દીસે પદ્મ પાગે;

કલ્લી સાંકળી ઘૂઘરી પાય વાજે, છબી અંગની જોઈ અનંગ લાજે.

ઝીણી ધાબળી કેડસું બાંધી તાણી, ગ્રહી ગેડલી હાથમાં ક્રોધ આણી;

બાપ, ભૂલો પડ્યો કે અજ્ઞાન આવ્યું, કાળી નાગના દ્રહ વિષે કાં ઝંપલાવ્યું?'

સુણી નારની વાણી શ્રીકૃષ્ણ ભાખે, 'પડે જળ વિષે કોણ પ્રાક્રંમ પાખે;

શું ઓળખો સુંદરી નંદનામ, વસું જમુના તીરે ગોકુળ ગામ.

જસોદા માત મહારી છે નંદ તાત, મહારી બેલ બળિભદ્ર છે જ્યેષ્ઠ ભ્રાત;

શ્રીકૃષ્ણ ગોપેશ છે નામ મહારું, આહીરની જાતિ અમો ધેનુ ચારું.

પીજે ભાવતાં દૂધ નવનીત છાસ, કરું દાણક્રીડા, રમું રંગરાસ :

અમૂલખ દડો પડ્યો નીરમાંય, કહાં છે ચોર કાળી?’ કહે કૃષ્ણરાય.

'કોણ ઠામ આપ્યો વસ્યો સર્પ કાળી, વૃંદાવનની વેલ જ્વાળે પ્રજાળી;

નદી જળ નિર્મળ વિખવંત કીધું, ખગ મૃગ માનુષને દુઃખ દીધું.

જસોદા પયપાનનું બળ દેખાડું, કાળી નાગને દ્રહ થકી બહાર કાઢું.

સુણી વચન હસી દીએ નાર તાળી, કહે છે કેડનો લાંક જીતે તું કાળી.

કહીંયે સાંભળ્યો છે કાળી નાગ કાને, ભોળા શામળા આંહાં તું આવ્યો છે શાને?

નહીં ભ્રાત સંગાત સુભટ્ટ સાથે, નથી લોહરક્ષા, ગ્રહી ગેડી હાથે.

અમો માન માગું તહારાં કુશળ માટે, કાળી નાગની ફૂંકથી ગગન ફાટે;

એવું જાણી ફરો તમો નાથ ભોળા, અમો માન માગું પાથરીને ખોળા.

(વલણ)

ખોળા પાથરે સર્વ નાગણી, ફરી ફરી લાગે પાય રે;

મરડી મરડી શામળો, સર્પભોવનમાં જાય રે.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941