viratnaa nagarmaa bhiim - Akhyan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિરાટના નગરમાં ભીમ

viratnaa nagarmaa bhiim

નાકર નાકર
વિરાટના નગરમાં ભીમ
નાકર

વનિતા વીર બિ બઇઠાં રહ્યાં; તિજી વેષ વૃકોદર ગયા;

વૃક્ષ તણું થડ ચાટુ કરી, ચાલુ વીર કન્ધોલઇ કરી.

નગર ભણી ભડ પગલાં ભરઈ : ગાજઇ વ્યોમ; ધરા થરથરઇ;

દૂરિ થકી દીઠા જેટલઇ, કર્યા પાગ ગોપતિ તેતલઇ.

ગયા ભૂંઠા વહી સીમ મઝારિ; ઊભા રહ્યા એક લગાર;

“મહાદૈત્ય જક્ષ રાક્ષસ-રૂપ, ભાઈ! આગલિ બઇઠા ભૂપ.

કે રાઇ રાખ્યા છઇ નગરમઝારિ; અરે ભક્ષ કરતાં નહીં લાગઇ વાર;

ભાઇ! ખભિ ચાટૂઉ દીઠુ સવે; અરે ખાધૂ નગર; સહૂ ભિક્ષુ હવે.

કહિશુ, કરશું કુણ ઉપાય? છીંડી જૈઈ ચેતાવું રાય.

ભાઈઓ! આગલિ કુણ ઊગરઇ? સહુ નાસતાં ભડ ચાટુ ભરઇ.”

બિન્યાઈ વીર નાઠા બાપડા; “આહા કાલરૂપ એહનિ કેડિ પડ્યા;

ભેલું નગર; ભીખ્યા સવિ લોક, પુણ્યવન્ત રાઈ રાઈ ઊપજશિ શોક.

તે જાવા શિ દીધા પહરા? ગ્રહ્યા કેશ માથા ઊફરા;

શું કરશિ? ભોલુ છઈ ભૂપાલ, જવ દૃષ્ટિ પડશિ કાલ.”

એતલઇ ભીમ નગરમાંહિ ગયા; દ્વારપાલ તવ નાશી ગયા;

ગામનિવાસી લોક હડબડ્યાં; ગઢ-મઢ-મન્દિર-મેડે ચડ્યાં.

દીઠૂં, રૂપ; નવિ બોલઇ કોઇ; શબવત થ્યા સવિ ટગમગ જોઈ;

‘આ શું ચાટુ?’ વિસમઇ સહુ થયું; ‘દુહવ્યો, ભૂપતિ તણું ઘર ગયું.

અરે કિંક, વૃન્દલ કુણ રૂપ? ભોલુ રાય જાણઇ ભૂપ;

લોક શી કરશિ પઇરિ? યમરૂપ ચાલિ ગયુ ઘરિ.”

નગર-મધિ ગઢ વાંશિ ગયુ, એક ક્ષણ ત્ય્હાં ઊભું નર રહ્યું;

પઇહલિ પોલીઇ સિધિ જવ કહી, રહ્યું રાય તવ ઝાંખુ થઈ.

ભીમિ હાથ બિ ઊંચા કરી, ગઢ કોશીસાં ઊપરિ કરી,

આઘૂં મુખ કર્યું જેતલઇ, ભડકી જ્યોધ ઊઠ્યા તેટલઇ.

સજઇ સન્નાહ; ધરઇ હથિયાર; ધડકઇ યોધ ધસઇ ઝૂઝાર;

રાય પાખલિ વીંટી સહૂ રહ્યા, યુદ્ધ કરવા સપરાણા થયા.

વીર વૃકોદર બેવડ થયા; પઇશી પોલિ સભા વિચિ ગયા;

જે રાઇ પાખલિ રહ્યા તરવરી, તે નાઠા યોધ; જોઇ ફિરી.

ભૂપ કિંક સભા મધિ રહી; ભીમ મહા ભડ નમિયા જઈ.

પાણ્ડુપુત્ર બોલ્યા તેણી વાર, “આવુ વાલુઆ! રાઇ-સૂઆર!”

કિંક તણાં રાઇ સુણી વચન્ન; પાછુ જીવ આવ્યુ મધિ તન્ન;

છાંડી આસન કર્યુ પરણામ, “ભલિ આવ્યા શિર ઊપરિ, સ્વામી!

જે સમુતા ભડ પાછા વલ્યા, કૌતક જોવા ટોલિ મિલ્યા;

જાણ્યૂ ’તૂં જે જીવિતવ્ય નથી તે કૈં દિન રાખ્યા કમલાપતિ.

મહાસ્વરૂપ દીસઇ વિકરાલ; રક્તનેત્ર પાવકની ઝાલ;

સ્થૂલ કન્ધ; આજાન ભુજ-દણ્ય, ઉરુ કટિ, પૂઠિ પગ મહાપ્રચણ્ડ.

વિકટ વદન, મુખ વાંકી મૂંછિ; મહા બલિયા; કુલ દીસઇ ઊંચ.

મન્નિ જામી બોલ્યુ ભૂપતિ, ધર્યુ ચાટુ તે કુણ યુગતિ?

પૂછતાં, ભાઈ! કરશુ રીસ, ખુલઇ તમારિ મૂક્યુ શીશ;

અમ સરખા કાંઈ ઉત્તર કુહુ; કૃપા કરી શિર ઊપરિ રહુ.”

દીન વચન રાઇનાં મનિ ધરી, વાયુપુત્રિ વાણી ઊચરી :

“હું તે ભીમ તણઉ સૂઅરિ; કલશી પાંચ તણુ મુઝ આહાર.

તું બહુ-આહારી જાણશિ, રાજાન! મુઝ પ્રાક્રમ પોઢાં ભીમ સમાનિ.

તે ભાઈ નષ્ટચર્જ્યાઇ ગયા; તે માટઇ આંહાં આવી રહ્યા.

તું રલિઆતિ થાએશ અતિ ઘણું, બોલાવીઇ કહિશ આપણું;

પરદલ ગઢ-સંકટ જે પડઇ, મુઝ પિહિલુ ભડ કો નવિ ભડઇ.

ગોબ્રાહ્મણ સ્ત્રી બાલ પ્રસાદ, તે દુહવઇ, તેહનું ઉતારૂં નાદ;

લ્યાવૂં ઈંધણ મલ્લશું વિઢું; ગહું ગજ; પાડાશું ભડું.

રાંધ્રું અન્ન અતિ સ્વાદિષ્ટ સાર, ખાટાં મીઠાં તીક્ષઅ ક્ષાર;

નાનાવિધ પકવાન હું કરું; જિમઇ રાઇ, સર્વ આગલિ ધરું.

પાકશાલાનઇ પાસઇ રહૂં; કરુ આગ્ન્યા; વિનુ નિતિ વહૂં;

વર્ષ એક રહીશું તમ ઠામિ; સૂઆર વાલુઓ મારું નામ.”

વલતા રાય બોલ્યા તેણી વાર, “હું સેવક; તું ઠાકુર-ઠાહરિ.

પાકશાલાઇ નિરન્તર રમુ; મુખ પૂછી પંચામૃત જિમુ.”

તેડી સૂઆર લગાડ્યા પાઇ; ઠાકુર સેવક કેરુ ન્યાય;

“વદિ વતાં જે તે તે સહુ કરુ; છઇ રીસાલ માથા-ઊફરુ.

તમ રાંધણ કેરી શિર ઓપમા; પડિ વિરાંસઇ કરજ્યો ક્ષમા.

છઇ વિરાટ અનુચર તમ તણુ” વિનય વિવેક કીધું અતિઘણું.

આવ્યો લોક ભડક્યા’તા ખરા, તે હૈડિયા આન્તર ઊતર્યા.

સુણ્યૂં સૂઆર થૈ નર રહ્યા; નગર-નિવાસી સુખિયા થયા.

('વિરાટ પર્વ' - કડવાં ૩૦, ૩૧)

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981