mane marine rath kheDya re - Akhyan | RekhtaGujarati

મને મારીને રથ ખેડ્ય રે

mane marine rath kheDya re

તુલજારામ તુલજારામ
મને મારીને રથ ખેડ્ય રે
તુલજારામ

મને મારીને રથ ખેડ્ય રે, બાળા રાજા રે!

મને જુધ્ધે સાથે તેડ રે, બાળા રાજા રે!

આપણ સરખા સરખી જોડ રે, બાળા રાજા રે!

મને જુધ્ધ જોયાના કોડ રે, બાળા૦

લાવો હું ધરું હથિયાર રે, બાળા રાજા રે,

કરું કૌરવનો સંહાર રે, બાળા૦

છાંડી જુધ્ધ વળો ઘેર આજ રે, બાળા રાજા રે,

મારા બાપનું અપાવું રાજ રે, બાળા૦

નારી કેશ સમૂળા કાડે રે, બાળા રાજા રે,

રથ ઉપર દેહ પછાડે રે, બાળા૦

મારું જોબનિયું ભરપૂર રે, બાળા રાજા રે,

મને મેલીને ચાલ્યા દૂર રે, બાળા૦

મેં તો શો કર્યો અધર્મ રે? બાળા રાજા રે,

મારે કિયા જનમનાં કર્મ રે? બાળા૦

મેં તો વેલો વાધતી તોડી રે, બાળા રાજા રે,

મેં તો ધાવતી ઘેન વછોડી રે, બાળા૦

મેં તો વહેતી નીકે દીધો પાગ રે, બાળા રાજા રે,

લીલા વનમાં મેલી આગ રે, બાળા૦

(‘અભિમન્યુ આખ્યાન’માંથી)

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 181)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981