kalakhyanmanthi ansh ha kaDawun – 5 - Akhyan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાલાખ્યાનમાંથી અંશ : કડવું – 5

kalakhyanmanthi ansh ha kaDawun – 5

ચિનુ મોદી ચિનુ મોદી
કાલાખ્યાનમાંથી અંશ : કડવું – 5
ચિનુ મોદી

પાછે પગલે, પાછે પગલે, પાછે પગલે ચાલે રે

ઇન્દ્રાણીને અવગણનાના ખૂંપ્યા કાંટા સાલે રે.

ડૂમો, હીબકાં, અસ્ફુટ વાણી, આંસુ દડતા ગાલે રે.

ઊંડા જળમાં, જાળ પડી તે તળનાં મત્સ્યો ઝાલે રે.

સત્, ત્રેતાનાં સંગમસ્થાને ઇન્દ્રાણીને એમ રે

વિદાય લેતો ઇન્દ્ર વાંચ્છશે, મારું કુશળ ક્ષેમ રે.

સત્ ના સાધુ ઇન્દ્ર, જરા પણ વિવશ થયા ના ભીના રે

નમન કરીને સ્વર્ગલોકને, તરત થયા પૃથ્વીના રે.

ઇન્દ્રાણી તો અંતઃપુરમાં વાટ જોઈને થાક્યાં રે

પાલવ પર અઢળક આંસુનાં, મોતીડાંઓ ટાંક્યાં રે.

ત્રેતાના વળી ઇન્દ્ર વિવેકી, જતાં જતાંયે આવ્યા રે

સાથે રહેતાં સુખ લાધેલું, માંડ વચન બે લાવ્યા રે!

ભલે કાલના પણ ભોંકાતા

ખચખચ હજીય કાંટા રે

સ્મરણ થતાંમાં ઇન્દ્રાણીને

આંખે વરસે છાંટા રે!

દ્વાપરનો અંતિમ દિન એથી

ઇન્દ્રાણીને શંકા રે

આજ ફરીથી પુરુષ બજવશે

અવગણનાના ડંકા રે

ઉર્વશી ત્યાં દોડી આવી

કહે કહે: ‘હે દેવી

કાલ સૌ ત્યજવાના ભયથી

કાયા કંપે કેવી

જોવું જો હોય તો પહોંચો

દેવરાજની પાસે

કાલ નવો મન્વંતર બેસે

ઇન્દ્ર છે અધ્ધરશ્વાસે!’

વલણ

જતા ઇન્દ્રને દુઃખમય જોવા હરખ ધરે ઇન્દ્રાણી રે

પાસે જઇને હળવે પૂછ્યું: ‘આંખો શેં ભીંજાણી રે!'

સ્રોત

  • પુસ્તક : કાલાખ્યાન (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2002