kalakhyanmanthi ansh ha kaDawun – 3 - Akhyan | RekhtaGujarati

કાલાખ્યાનમાંથી અંશ : કડવું – 3

kalakhyanmanthi ansh ha kaDawun – 3

ચિનુ મોદી ચિનુ મોદી
કાલાખ્યાનમાંથી અંશ : કડવું – 3
ચિનુ મોદી

ઇન્દ્ર કહે કે ‘વાંક કશો ના

નથી કશો અપરાધ રે

આમ છતાં જે આજ ભોગવું,

કાલ ભોગવ્યે બાધ રે

કાલ નહિ ઇન્દ્રાસન મારું

કાલ નહિ ઐરાવત રે

કાલ કોઈ પણ યુદ્ધ વગર

હા, સ્વીકારવી શરણાગત રે

દેવપુરીના નૃપ તદાપિ

કાળ ચહે તેમ રહેવું રે

કહો, કહો કોને કહેવું?

કેમ કરી દુઃખ સ્હેવું રે?'

દેવરાજને નારદ પૂછે: ‘આ તે કેવી વાત, જી?

વજ્રપાત કરનારા આજે કરતા અશ્રુપાત જી?

અશ્રુ આણે ઇન્દ્રાંણી તો ન્યાયી લેખાય જી?

આપ જાણો આવી અભાગણ, મનમાં શું મૂંઝાય જી?'

ઇન્દ્ર કહે કે ઇન્દ્રાણીને કઈ વાતનાં દુઃખ?

આજ જેટલું ભોગવશે, કાલે પાછું સુખ

અમે ખોઈશું કાલે સઘળું, બોલો શું ખોશે?

નારદ માત્ર હસીને પૂછેઃ કાલ આપને જોશે?

નિત્ય તમોને જોનારો

તે ક્યાંથી તમને જોશે જી?

કાલ હશે અહીં ને અહીં

તે હીબકે ચઢશે, રોશે જી.

સુંદર તનયા ને રૂપ બનયા ઇન્દ્રાણીને પૂછોજી

કાલ બધું બદલાશે એથી આપ કહો સુખમાં છો જી?

પછી કહે નારદજી મનમાં

‘પ્રભો, આપની લીલા

બહુ કાળથી નથી દીઠી

તે મુખ પેઠે લોચન વીલા'

નારદજીએ એમ વિચારી કહ્યું ઇન્દ્રના કાને

‘જાવ, કહો ઇન્દ્રાણીને કે કષ્ટ ઘણું હૈયાને -

કષ્ટ પડે હૈયાને એક જડ, સૌ તો છોડાશે

માત્ર આપને ત્યજતાં હૈયે, ખીલાઓ ખોડાશે -

આપ નથી ઇન્દ્રાસન, દેવી આપ નથી કૈં વૃક્ષ

આપ ચોપગી ગાય નથી કે બની શકું હું રુક્ષ

કશું થાય પણ રુક્ષ રહો, એવા જડ છો આપ?

કાલ બધું બદલાશે એથી પામો છો સંતાપ?

દિ થાય સંતાપ તો કહૈ દો ત્રણે દેવને, એમ

ઇન્દ્રાસન ને ઇન્દ્રાણીમાં ભેદ કરો ના કેમ?'

ના સંસારી, આમ છતાંયે

(પણ) સૌ સંતોની જેમ રે

નારદજી ક્યાંથી જાણે છેઃ

નારી રીઝવવી કેમ રે?

વલણ

નારી રીઝવવી નારદ જાણે, કેમ કરી જાણે રે?

અણચવ્યો રસ જે રસના જાણે એને વેદ વખાણે રે!

સ્રોત

  • પુસ્તક : કાલાખ્યાન (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2002