hunDi - Akhyan | RekhtaGujarati

કડવું

(રાગ રામગ્રી*)

શ્રીગુરુ-ગોવિંદને ચરણે લાગું જી;

દેવી શારદા! વાણી માગું જી.

અંતરગત માંહે ઇચ્છા છે ઘણી જી,

ભાવે ભાખું હૂંડી શ્રીમહેતા તણી જી.

ઢાળ

હુંડી શ્રીમહેતા તણી, વરણવું બુધને માન;

ધન્ય ધન્ય નાગર નરસૈયા, જેહનું જૂનાગઢ શુભસ્થાન.

કૃપા શ્રીશંકર તણી, તે ઊપન્યો ભક્તિભાવ;

ભવસાગર નરસૈયો તર્યો, તે નાથ નામનું નાવ.

શ્રીકૃષ્ણ ધ્યાયા, હરિગુણ ગાયા, તજી માયા-મમત્વ;

એણે રાસ મંડળ નિરખિયો, તેણે પામ્યો તત્ત્વ.

એને વિશ્વાસ વિશ્વંભર તણો, દાસનું લક્ષણ;

સંસાર-શું સરસો રહે, વિકાર નહિ, વિલક્ષણ.

લોકાચાર ગણ્યો નહિ, નવ ગણી નાગરી નાત;

પ્રભુ સાથે પ્રીત બાંધી, પટોળે જેમ ભાત.

મંડલિક વેરે મામ રાખી, શ્રીહરિએ આપ્યો હાર;

ઉષ્ણ જળ માંહાં મેહ વરસાડ્યો, ગાયો રાગ મલ્હાર.૮

ગમતું તે કીધું કુંવરબાઈનું મામેરું મોરારી;

સેવક જાણી શામળિયે હૂંડી સદ્ય શીકારી.૯

વર્ણવું વિસ્તાર તેહનો બુદ્ધિને અનુસાર;

જે હૂંડી હરખે સાંભળે તે તરે નર ને નાર. ૧૦

ચરિત્ર નરસૈયા તણાં, તેણે પવિત્ર થાયે પંડ;

જે સુણે, ભણે ને અનુભવે, તે નવ ભમે નવ ખંડ. ૧૧

કો તીરથવાસી વટેસારુ આવિયા પુર માંહે :

'કો દ્વારિકાની હુંડી કરે, છે શરાફખાને શાહે?'૧ર

બેઠા હુતા નાગર બ્રાહ્મણ, બોલે જૃઠું બાંધી પોણ;

તેને તીરથવાસીએ પૂછિયું :'આહાં હૂંડી કરે છે કોણ?' ૧૩

ત્યારે વિચારીને વિપ્ર બોલ્યા, મહા ઠગના ઠગ :

'હુંડિયાત નામે નરસિંહ મહેતો, છે રૂપૈયાના ઢગ. ૧૪

વૈષ્ણવ ને વહેવારિયો, છે શિરોમણિમાં સીમા;

આડત ચાલે તેહની, ને કરે મોટા વીમા.'૧પ

હરિભક્તને હૂંડી કશી? નાગરે કીધી હાંસી :

ઘર દેખાડ્યું નરર્સૈયાનું, પ્રીછ્યા નહિ તીરથવાસી. ૧૬

નીચાં મંદિર નીપટ જૂનાં, માંહે ચરકલીના માળા;

વૈષ્ણવ આવી ઊતરે, મહેતા તણી ધર્મશાળા. ૧૭

લૂલાં, ભૂલાં, અટૂલિયાં, અપંગ, અંધ, બધીર,

તે પડ્યાં ખાયે રામદાસિયાં મહેતા તણે મંદિર. ૧૮

ત્યાંહાં તાળ, કાંસી, ચંગ બોલે; શંખધૂની રહી વાગી;

પામે પ્રસાદ ને મોટા સાદે ગાય બેઠા વેરાગી. ૧૯

ગોપીચંદન, તિલક છાપાં, 'રામકૃષ્ણ' કહેવાય;

શબ્દ ઊઠે સમરણીના, મણીડાં અફળાય. ર૦

ચિત્રામણ દશ અવતારનાં, ચોક માંહે તુલસી-વંન,

દહેરાસર દામોદર તણું, મહેતો કરે કીરતંન. ર૧

જોઈ તીરથવાસી વિચારે :'એ નોહે કોઠીવાલ;

નામું-લેખું હરિનામનું, ને લેખણ સાટે તાળ. રર

છે કોથળી વાજિંત્રની, માંહે મળે ખોટો દ્રામ;

દીસે ચોપડા કીર્તન તણા, વેપાર હરિનું નામ.'ર૩

ત્યારે મહેતોજી બેઠા થયા, કહે : 'આવો,તમારું ધામ;

પરદેશીઓ ! મુને પવિત્ર કીધો, ક્હો : હું સરખું કંઈ કામ?'ર૪

તીરથવાસી બોલિયા : 'જાવું છે દ્વારિકા ગામ;

હૂંડી કરાવા આવિયા જાણી તમારું નામ.

કો ભલા નાગરે ભાળ દીધી : મહેતાથી સરશે અરથ;

એટલું,સ્વામી! કારજ કીજે, ગણી લીજે ગરથ.

રૂપૈયા સેં સાત છે, અમો ચારનું ધન;

ખરચવું છે દ્વારિકામાં, મહેતા! તમારું પુન.

વલણ

પુન્ય તમારું કામ થાયે,' એમ કહી બેઠા તીરથવાસી રે;

હાંસી જાણી નાગરી ન્યાતની, મહેતે સમર્યા શ્રીઅવિનાશી રે.

કડવું

રાગ આશાવરી*

'આજ કૃતારથ અમને કીધા, તીરથવાસી મળિયા રે;

તે બ્રાહ્મણને પાગે લાગું, જેણે આંહાં મોકલિયા રે.'

આજ૦

આપી આસન પૂજા કીધી, મહેતે આપ્યો હરિ-પરસાદ રે;

એકેકી માળા કંઠ સમર્પી, મહેતે કીધો શંખનાદ રે.

આજ૦

તીરથવાસીએ કૌતુક દીઠું : 'આ તો શંખ, તાળ ને માળા રે;

વૈષ્ણવના ચાળા ને દીસે કંગાળા, બેઠા તે ટોપીવાળા રે.

આજ૦ 3

મળે દારા ને સંચ સારા, ક્યારા તે તુળસી કેરા રે;

હરિ-શું રંગ ને વાજે ચંગ, ઢંગ ભલા વછેરા રે.

આજ૦

'બેઠા થઈએ ને ચૌટે જઈએ, શું રહીએ વિશ્વાસ આણી રે?'

તીરથવાસીના મન માંહાંની ત્યારે મહેતે વારતા જાણી રે.

આજ૦

કડવું

રાગ મેવાડો*

તીરથવાસી દુખિયા જાણી, મહેતોજી બોલ્યા અમૃતવાણી :

'કાં મન ચિંતા કરો છો ઊંડી? લાવો લખી આપું હું હૂંડી.

અમારે-તમારે કારજ પડ્યું, પરમેશ્વર નહિ રાખે અડ્યું;

સિદ્ધ કામ થાશે તમ તણું, મોકલનાર ડાહ્યો છે ઘણું.

સેવક તમારો હુંડી કરે, જ્યહાં લખે ત્યાંહાંથી નવ પાછી ફરે;

માહારા શેઠને ઓળખે આખું ગામ, હોયે તો લેજો માહારું નામ.'૩

તીરથવાસી બોલ્યા રલી રસે : 'આ રૂપૈયા લીજે સાત સેં;

લખી પત્ર ઉતાવળું દીજે, હૂંડિયામણ ઘટે તે લીજે.'૪

મહેતોજી કહે : 'કરવું કામ, હૂંડિયામણ તો હરિનું નામ.'

શતશતના ગણી આપ્યા થોક, સાતસેં રૂપેયા રોકારોક.

મહેતે ઘરમાં મુકી બોરી, તે ખર્ચી રહ્યા સંધી-સોરી.

પછે મહેતે કરમાં લીધી તાળ, સ્તુતિ કરી સમર્યા ગોપાળ.

નરસૈયો હરિની સ્તુતિ કરે, ખરખર નયણે આંસુ ખરે.

તાળ વાહે ને હરિગુણ ગાય : 'શામળિયાજી! કરજો સહાય.

પ્રહ્લાદની વહારે તમો ધસ્યા, લક્ષ્મીવર! તમો સ્તંભમાં વસ્યા;

અપર માતનો ઉતાર્યો મદ, ધ્રુવને આપ્યું અવિચળ પદ.

અમરીષનો ઉતાર્યો ભાર, તમો લીધા દસ અવતાર;

રાખ્યો હસ્તી ગ્રાહે ગ્રહ્યો, મેં મહિમા તમારો લહ્યો.

રુકમાંગદને કરુણા કરી, હરિશ્ચંદ્રને વૈકુંઠપુરી;

અજામેલ નામ ઉદ્ધાર્યો, તેલ-કઢા સુધન્વા તાર્યો. ૧૦

રાખ્યા બળતા પાંડવવીર, પંચાલીનાં પૂર્યા ચીર;

ગોપીનું પ્રતિપાલન કર્યું, સુદામાનું દાળીદર હર્યું. ૧૧

રાખ્યા ગોપ ધરી ગોવર્ધન, ગૌ-ગોવાળિયા-શું જમિયા અન્ન;

કુબ્જા સાથે રંગે રમ્યા, વિદુરજીની ભાજી જમ્યા. ૧ર

ઉગ્રસેન કીધો ભૂપાળ, ગુરુપત્નીને આપ્યો બાળ;

ખાંડવ વનમાં પંખી બળે, તે તમો રાખ્યાં ઘંટા તળે. ૧૩

ચંદ્રહાસને કરુણા કરી, 'વિષ'ફેડીને 'વિષયા'કરી;

ગુણકા તારી કર્મ-અઘોર, ભીલડીનાં તમો ખાધાં બોર. ૧૪

કબીરની તમો કીધી સહાય, નામદેવની જિવાડી ગાય;

જળ ભર્યું ત્રિલોચન-ઘેર, મીરાંબાઈનું પીધું ઝેર. ૧પ

ધના ભગતનું રાખ્યું ખેત્ર, સૂર અંધને આપ્યાં નેત્ર;

જયદેવને આપી પદ્માવતી, શા ગુણ ગાઉં તારા, ગોકુલપતિ? ૧૬

ત્રિકમ તાત ને માધવ માત, કુટુંબ કેશવ, ભૂધર ભ્રાત;

નાત નરહરિ, શામજી સખા, અવિનાશી માહારે અંગરખા. ૧૭

ભક્તવત્સલ, પ્રભુ! તમો કહાવો, તે માટે દાસ કરે છે દાવો;'

એહવી સ્તુતિ કરીને મુખે, મહેતોજી પછે હૂંડી લખે : ૧૮

'સ્વસ્તિ શ્રીપુરી દ્વારામતી, લક્ષણ-પૂરણ લક્ષ્મીપતિ,

ભક્તવત્સલ પ્રભુ દીનદયાળ, ગૌબ્રાહ્મણના છો પ્રતિપાળ;૧૯

પરમારથ કરતા તતખેવ, શેઠ શામળશા વાસુદેવ,

જુનેગઢ સેવક નરસિંહ નામ, પાય લાગીને કરે પ્રણામ. ર૦

સાતસેં રૂપૈયા આપજો ગણ્યા, સાડા ત્રણસેંથી બમણા;

એંધાણી હૂંડીમાં લખી, ચતુર છો જી, -લેજો ઓળખી. ર૧

સાતસેં રૂપૈયા આપજો ગણી, ચાલે જો આડત આપણી.

કાંટે ચઢાવી કરજો ખરા, નવા કોરા ને કરકરા; રર

ઊજળા તાવ્યા તાપે ચડ્યા, ખરાખરા ને બપોરના પડ્યા;

ઓછા નહિ, મોટા માપના, ઓહોણુંકા ને નવી છાપના. ર૩

તીરથવાસી ધનના ધણી, આપજો ચૌટામાં ગણી.

ધનજી, મનજી, ગોકુળ, શ્યામ ધનના ધણીનાં ચારે નામ. ર૪

આંહાં રૂપૈયા ગણીને લીધા, મેં કૃષ્ણાર્પણ તમને કીધા;

વહાલા! વધારજો માહારો કાર, હું નહિ રાખું તમારો ભાર. રપ

આપણી વાત પડશે હેઠી, સ્વામી! જો પાછી ફરશે ચીઠી;

દુકાને દેવાશે તાળું, આપણ બેહુને સાથે દેવાળું. ર૬

લાજશો તમો જે ખાઓ છો વ્યાજ, હું વાણોતરને શાની લાજ?

લોકમાં તમને બેસશે ગાળ, કહેશે : નરસૈના શેઠે ઓઢી ચાળ. ર૭

જો નહિ શીકારો હૂંડી, શ્યામ! તો છે નાગર સાથે કામ.

મહિમા માહારો વધારજો, શામળિયા! હૂંડી શીકારજો. ર૮

જણાશે, સ્વામી! વારકું : સેવક-સ્વામીનું પારખું.

છો ભીડભંજન શ્રીપરિબ્રહ્મ, આડતિયાની રાખજો શર્મ, ર૯

મનસા-વાચા કહે નરસહીં, તુજ વિના કોને જાચું નહિ;

રખે હસાવો ચારે વરણ, શોભા જાશે, તે-પે સારું મરણ. ૩૦

મરવું નિશ્ચે જો જાશે પોણ, તુજ વિના, નાથ! ઉગારે કોણ?

કો નેષ્ટ નાગરે કીધી ઠગ, માહારે તો છે તમારી વગ. ૩૧

માહારે પાસું છે તમ તણું, પ્રભુ! પાળજો બિરદ ભક્ત તણું.'

બીડી હૂંડી ને સમર્યા રામ, સરનામે શામળશા-નામ. ૩ર

વલણ

નામ લખ્યું શામળશાનું, કરમાં લીધી તાળ રે;

મૂકી હૂંડી મૂરતિ આગળ, મહેતે સમર્યા શ્રીગોપાળ રે. ૩૩

કડવું

રાગ મારુ*

'સ્વીકારજો સેવકની હૂંડી, શામળશા સુજાણ રે?

રખે કાર જાયે નરસૈયાનો, તે-પેં જાજો પ્રાણ રે.

સ્વીકારજો૦

લખજો કાગળ કામ થયાનો, વહાલા! જોઉં છું વાટ રે;

છે તાળ-ચંગની કોથળી, હરિમંદિર માહરું હાટ રે.

સ્વીકારજો૦

છે વણજ માહારો નકાળજો, જ્યમ વાનરની ફાળ રે; :

છે વિસાત માહારે એટલી : માળા, તુલસી ને તાળ રે.

સ્વીકારજો૦

નરસિંહ મહેતો નાણાવટી, લોક જાણે કોઠીવાળ રે;

હૂંડી ફરતાં દીવો થાશે તો સેવક ઓઢશે ચાળ રે.

સ્વીકારજો૦

ખરાખરા ને કરકરા રૂપૈયા આપજો રોક રે;

કારજ કરશો, કહાનજી! તો હસશે દુરિજન લોક રે.

સ્વીકારજો૦

માત-તાત તું, મહાવજી! લજ્જા રાખો આણી ચોટ રે;

રૂપૈયા સેં સાત આપતાં નહિ જાય ખજાને ખોટ રે.

સ્વીકારજો૦

જો નકાર કરશો, ક્હાનજી! તો છે નાગર સાથે કામ રે;

પ્રેમાનંદ-પ્રભુ! પ્રીછજો, જેમ માંહોમાંહે રહે મામ રે.'

સ્વીકારજો૦

કડવું

રાગ સારંગ*

હૂંડી આપીને લાગ્યા પાય, તીરથવાસી કર્યા વિદાય :

'જાજો રે ચૌટામાં ઠેઠ, જઈ પૂછજો શામળશા શેઠ.

નકાર કરે તો બેસજો અડી, રૂપૈયા મા મૂકશો અધ ઘડી

જડે તો આવજો અમ ભણી, વ્યાજ સહિત આપીશું ગણી.

વિદાય તીરથવાસી થયા, થોડે દહાડે દ્વારિકા ગયા.

મોહોટું ભાગ્ય : નાહ્યા ગોમતી, પ્રેમે પૂજ્યા યાદવપતિ.

નખશિખ નીરખ્યા શ્રીરણછોડ, જાત્રાળુના પહોત્યા કોડ.

સુંદર દર્શન શ્રીભગવાન, શામળિયોજી ભીને વાન.

મુક્તામાળા નાભિ લગી, હ્રદે ઉપર ચળકે દુગદુગી,

ભૃગલાંછનનો શોભે ડાઘ, પાંપણ ઉપર ટેઢી પાઘ.

પ્રભુનો વાઘો ભીન્યો કેસરે, દર્શન દીધું પરમેશ્વરે.

તીરથવાસી પામ્યા આહ્લાદ, ગૂગળીએ આપ્યા પરસાદ.

પછે પૂછી ચૌટાની વાટ : ’ક્યાંહાં છે શામળશાનું હાટ?’

નાણાવટ માંહે પૂછ્યું જઈ, હૂંડી કોઈ શીકારે નહિ.

ફરી ફરી જોયું આખું ગામ, મળે શામળશાનું નામ,

ખોટો કાગળ પુરમાં પડ્યો, શામળશા શોધ્યો નવ જડ્યો.

તીરથવાસી દુખિયા થયા :’અરે દૈવ ! રૂપૈયા ગયા!'

એક વણિકને જઈ પૂછી વાત :’ભાઈ! તું દીસે વૈષ્ણવ સાક્ષાત.

સાચું કહો, દીસો દીનદયાળ, ક્યાંહાં રે શામળશાની ભાળ?

નાણાવટી નરસૈયો સખી, તેણે અમારી હૂંડી લખી.' ૧૦

વણિક કહે કરી વીનતી : ’શામળશા નગરમાં નથી.

બ્રાહ્મણ, ક્ષત્રી, વૈષ્ણવ વાણિયો, શામળશા નામે નવ જાણિયો. ૧૧

પનોતીએ રવડાવ્યા પગ, લખનારો કો દીસે છે ઠગ;

ઠગની હૂંડી નવ હોયે ખરી, જૂનાગઢ જાઓ પાછા ફરી. ૧ર

સાંભળી વાણિયા કેરી વાણી, નિસાસા મૂક્યા તાણી તાણી,

ધોળાં મુખ ને ધૂણે શીશ : ’હવે શું થાશે જગદીશ? ૧૩

નરસિંહને મળતાં શે મળ્યો સાપ? કોણ જનમનું લાગ્યું પાપ?

દેખીતો દુકાળિયો, દૈવે મેળવ્યો દેવાળિયો. ૧૪

કોટ ભરી માળા-ગૂંછળે, નાચે, કૂદે ને ઘણું ઊછળે;

હાથમાં ફેરવે જપમાળી, રાંકને ગળે ઘાલી પાળી. ૧પ

કોટ ભરીને કાયા છાપે, લે તેનું પાછું નવ આપે,

નેષ્ટ નાગરને નવ હોય દયા, અરે દૈવ! રૂપૈયા ગયા!’ ૧૬

તીરથવાસી બોલ્યો એક : 'ભાઈઓ! મન આણો વિવેક,

ગાળ દેશો, થાશે બાધ, નરસૈયો દીસે છે સાધ. ૧૭

નારાયણ-શું પૂરણ સ્નેહ, વિરલો વૈષ્ણવ દીસે એહ,

એણે રાખ્યો એહનો ધરમ, આપણાં તો છે ઊંધાં કરમ. ૧૮

પરમેશ્વરનું થયું દર્શન, મોટું નરસૈયાનું પુન.

ચાલો જૂનાગઢની વાટે, આપણે નિરમ્યું હશે લલાટે.’ ૧૯

તીરથવાસી થયા નિરાશ, હરિએ જાણ્યું : ‘લાજ્યો દાસ.’

વહારે ચડિયા યાદવ-ભૂપ, લીધું શામળશાનું રૂપ. ર૦

વલણ

રૂપ લીધું શામળશાનું : શોભા કહી જાય રે;

ભટ પ્રેમાનંદ કહે કથા : હરિભક્તનો મહિમાય રે. ર૧

કડવું

રાગ મારુ

જેહને વેદે જાય વખાણિયો રે, મારો વહાલોજી થયો છે વાણિયો રે,

જેહની અગમ ગત્ય છે ઊલટી, રે તે નાથ થયા છે નાણાવટી.

વહાલો ગોમતીજીના ઘાટમાં રે, મળ્યા તીરથવાસીને વાટમાં રે;

વેષ પૂરણ લીધો વહાલે રે, નાથ ચૌટાની પેરે ચાલે રે.

છે અવળા આંટાની પાઘડી રે, એવી બાંધતાં કેહી પેર આવડી રે?

ગાદી એકતાઈ પહેરી હરજી રે, એનો સીવનારો કોણ દરજી રે?

શોભે વાણિયો ભીને વાને રે, એક લેખણ ખોસી છે કાને રે;

છે અધર બિંબ-પરવાળી રે, મોટી આંખડલી અણિયાળી રે.

એહને કાને તાં કુંડળ ઝગમગે રે, નાસિકા દીવાની શગે રે;

હસતાં ખંજન પડે છે ગાલે રે, મોટું કપાળ જણાવે છે તાલે રે.

દાંત રૂડા દીસે છે હસતાં રે, હીરા તેજ કરે જ્યમ કસતાં રે;

શોભે ધનરેખા હથેલિયાં રે, આંગળીએ વીંટી ને વેલિયાં રે.

છે ટુકડા-બંધ તે બેવડા રે, ગુણ ક્યાંહાં શીખ્યા તમો એવડા રે?

સોનાની સાંકળી ને કંઠે દોરો રે, કેડે પાટિયાળો કંદોરો રે.

બિરાજે ફૂમતાંની જ્યોત રે, કેડે ખોસી પીતળની દોત રે;

ઓઢી પિછોડી તાં ખાંધે રે, દૂંદાળો ને મોટી ફાંદે રે.

વસ્ત્ર પાંચે પહેર્યાં સોજાં રે, પગે પહેર્યાં સાદાં મોજાં રે,

એને આવડે હાથનો લટકો રે, સાદી દોરનો કેડે પટકો રે.

એનાં ક્યાંહાં ક્યાંહાં કૌતક ભાળિયે રે? ઠાલી ગાંઠ બે-ચાર છે ફાળિયે રે,

ત્રીકમજી વાણિયાની તોલે રે, ઉતાવળું ને તોતળું બોલે રે. ૧૦

શોભે વાઘો છાંટ્યો -કેસર રે, મોટા પારેખ શ્રીપરમેશ્વર રે;

માહરો નાથજી નીચે ખામણે રે, ભટ પ્રેમાનંદ જાયે ભામણે રે. ૧૧

સાથે વાણોતર છે સાત રે : ઓધવ ને અર્જુન ભ્રાત રે,

હનુમાન કપિને અક્રૂર રે, સુદામો, વિદેહી, વિદુર રે.૧ર

છે પારથના હાથમાં પાન રે, છડીદાર થયા હનુમાન રે;

છવરંગી સુદામે ગ્રહી રે, કાંઈ વિદુરને માથે વહી રે. ૧૩

અક્રૂર ગણાવે છે રોળો રે, છે જનકના હાથમાં ઝોળો રે;

બોલી પારસી સરખી તોતળી રે, છે ઓધવની ખાંધે કોથળી રે. ૧૪

એમ સામા મળ્યા અવિનાશી રે, તેને જોઈ રહ્યા તીરથવાસી રે:

‘આ કોઈ પારેખ દીસે નવા રે, સરસાં કારજ આપણાં હવાં રે. ૧પ

કો ભારે માણસ ભાસે રે, ભલા વાણોતર છે પાસે રે,

હૂંડીવાળો એમ વદે વાણી રે, ‘મળ્યો શામળશા અંગ એંધાણી રે. ૧૬

હીંડે સહુને મસ્ત નામતો રે, પૈસાદાર દીસે છે પામતો રે.

કેમ બોલાયે આપણ રંકે રે ?’ આઘા જઈને પાછા ઓસંકે રે. ૧૭

તેહની મનની વારતા જાણી રે, બોલ્યા આફણિયે સારંગપાણિ રે

‘કાં રહો છો લજ્જા પામી રે?' ત્યારે બોલ્યા મસ્તક નામી રે; ૧૮

‘અમો જૂનેગઢથી આવ્યા રે, હૂંડી નરસૈયાની લાવ્યા રે.'

સાંભળ્યું નરસૈયાનું નામ રે, ધાઈ ભેટચા સુંદરશ્યામ રે.૧૯

અક્ષર ઓળખ્યા દીનાનાથે રે, હૂંડી ચાંપી હૃદયા સાથે રે

વાંચવાને વહેલી વહેલી રે, હરખે હરજીએ હૂંડી ઉકેલી રે. ર૦

'સ્વસ્તિ શ્રીદ્રારિકા ગામ રે, મુક્તિપુરી મનોહર ઠામ રે;

પરમારથી પરમ દયાળ રે, છો ગૌ-બ્રાહ્મણ-પ્રતિપાળ રે. ર૧

સર્વ ઉપમાયોગ્ય છો સ્વામી રે, નાથ નાણાવટીમાં નામી રે

પરમારથ કરતા તતખેવ રે, શેઠ શામળશા વાસુદેવ રે. રર

માહારો જૂનાગઢમાં વાસ રે, લિખિતંગ સેવક નરસૈયો દાસ રે.

લીધા રૂપૈયા સેં સાત રે, ઊઠ સેંથી બમણા, નાથ રે!ર૩

લખી હૂંડી માંહે એંધાણી રે, ગરથ આપીને પીજો પાણી રે,

એક ઘડીનો નહિ ઉધારો રે, ત્યારે રહશે કાર અમારો રે. ર૪

છે મોહોટા શેઠનો ધર્મ રે, રાખો વાણોતરની શર્મ રે.'

‘આવડું લખવું પડ્યું તે શાને રે?' મસ્તક ધુણાવ્યું શ્રીભગવાને રે : રપ

‘લખ્યાનું કામ નહોતું લેશે રે, હું તો આપત રૂપૈયા સંદેશે રે.'

તીરથવાસીને કહ્યું અવિનાશે રે : ‘આવ્યા રૂપૈયા અમ પાસે રે. ર૬

તમો શોધતા ફરો છો શું રે? ભાઈ! શામળશા તે હું રે.

ગામમાં રહું છું છાનો રે, નરસૈયાનો વાણોતર માનો રે.ર૭

કરું છું વૈષ્ણવ જનની સેવા રે, મુને ઓળખે નરસૈયા જેવા રે.

બીજી કમાઈ મેં તો છાંડી રે, નરસૈયાનો પુન્યે કોથળી માંડી રે. ર૮

પરિવાર જીવે શામળશાનો રે, તે આશરો નરસૈયાનો રે.

અમો નરસૈયાના કહેવાઉં રે, અમને વેચે તો વેચાઉ રે! ર૯

છોડી કોથળી કરુણા કરી રે, કાઢયા રૂપૈયા મૂઠી ભરી રે;

જોવા મળ્યા ચૌટાના લોક રે, ગણી આપ્યા રૂપૈયા રોક રે.૩૦

સો બીજા આપ્યા મહારાજે રે, તે તો ખરચ-ખૂટણને કાજે રે.

મહેતાને વીનતી કહેજો અમારી રે,' પછે લખે કાગળ મોરારી રે.૩૧

વલણ

મોરારી કાગળ લખે, પ્રતિઉત્તર વાળે હુંડી તણો રે,

ભટ પ્રેમાનંદ કહે ક્થા : હરિભક્તિનો મહિમા ઘણો રે. ૩ર.

કડવું

રાગ ધન્યાશ્રી*

લેખણ લીધી શ્રીલક્ષ્મીવરે,

મહેતાજીને કૃષ્ણ વીનતી કરે.

કાગળ ભીંજે ને આંસુડાં ખરે,

ઓધવ આવી આડો કર ધરે.

ઢાળ

ધરે હાથ આંસુ ગ્રહે, અમર અંતરરિક્ષ જોય રે;

ભૂતળ માંહે ભાગ્ય મોટું : નરસૈયા સમો નહિ કોય રે.

‘સ્વસ્તિ શ્રીજૂનાગઢ સ્થાને, મહેતોજી નરસહીં રે!

હૂંડી સ્વીકારી આવતાં, જાણજો તમો સહી રે.

શ્રીદ્રારિકાથી લિખિતંગ શામળશા વાણોતર રે;

આપણ બંન્યો એક છું, રખે જાણતા પર રે.

તમારી વતી અમો સેવું છું દ્વારિકા ગામ રે;

અજર-આળસ નહિ કરું, આવાં કોટિક લખજો કામ રે.

આડત તમારી પહોંચશે, પત્રની જોઉં છું વાટ રે,

શુભ કામ કાસદ લાવશે, વિશ્વાસ માહારું હાટ રે.

વળી વારુ છું વિશ્વાસ મૂકી, રખે વહાતો તાળ રે;

એક પલક દાસ દમાય ત્યારે અમો ઓઢી ચાળ રે.

ઠગ લોક સંસારના નહિ જાચે શું-શુંય રે?

ના કહેશો કોઈ વાતની, છું આપનારો હુંય રે.

તીરથવાસીને પત્ર આપ્યું, ભક્તનું ભગવાન રે;

જાત્રાળુ તો જોઈ રહ્યા : હરિ હવા અંતર્ધાન રે. ૧૦

તીરથવાસી કર ઘસે અને ધૂણે વળી શીશ રે :

‘આપણે રૂપૈયા દીઠા, પણ નવ દીઠા જગદીશ રે. ૧૧

છે નરસૈયો વહેવારિયો, આપ્યા રૂપૈયા રોક રે;

શામળશા તે આંહાં વસે, શું જાણે જૂઠા લોક રે?' ૧ર

એક માસ દ્વારિકા રહ્યા, ને પૂજ્યા જાદવરાય રે;

તીરથવાસી પછે ફરીને આવ્યા જૂનાગઢ માંહ્ય રે. ૧૩

આવી નરસૈયાને પાય પડિયા : ‘સાચો તાહારો શેઠ રે;

ભાઈ! વાણોતર તે તું ખરો, બાકી સરવ દૈવની વેઠ રે. ૧૪

મહેતાજીએ પત્ર વાંચ્યું જે લખ્યું શ્રીમહારાજ રે:

'ધન્ય ધન્ય માહારા નાથજી! કોણ તમ વિણ રાખે લાજ રે?' ૧પ

છે વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ રે;

બહરાનપુર પરદેશ કીધો ઉદર ભરવા કામ રે. ૧૬

સંવત સત્તર તેત્રીસા વરષે ઉત્તમ માસ વૈશાખ રે,

વદિ પ્રતિપદાએ પદબંધ કીધો અંતરને અભિલાખ(ષ) રે. ૧૭

ચતુર્વિશી નાત બ્રાહ્મણ, કૃષ્ણસુત પ્રેમાનંદ રે;

હરિકૃપાએ હૂંડી કથી તે અંતર-શું આનંદ રે. ૧૮

પદબંધ હૂંડી તણો થયો તે હસનાપુરી માંહ્ય રે;

શ્રોતાજન 'શ્રીકૃષ્ણ'બોલો : વૈકુંઠપ્રાપ્તિ થાય રે. ૧૯

રસપ્રદ તથ્યો

‘હૂંડી'ની આ વાચના માટે નીચેની હસ્તપ્રતો અને મુદ્રિત વાચનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક -ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈની ક્રમાંક ૫૪ વાળી, સં. ૧૭૬૦માં લખાયેલી હસ્તપ્રત. તેમાં આરંભનાં બે કડવાં છે, ખ – ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈની ક્રમાંક ૨૨૯ વાળી, સં. ૧૭૬૩ માં લખાયેલી હસ્તપ્રત. ગ – ગુજરાતી વિદ્યાસભા, અમદાવાદની ક્રમાંક ૩૨૦ क વાળી, સં. ૧૭૭૫ માં લખાયેલી હસ્તપ્રત. ઘ – ગુજરાત વિદ્યાસભા, અમદાવાદની ક્રમાંક ૧૯૭ अ વાળી, સં. ૧૭૯૦ માં લખાયેલી હસ્તપ્રત. ચ – ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈની ક્રમાંક પર વાળી, સં. ૧૮૧૨માં લખાયેલી હસ્તપ્રત, છ – ગુજરાતી વિદ્યાસભા, અમદાવાદની ક્રમાંક ૧૦૩૫एम વાળી, સં. ૧૮૧૯ માં લખાયેલી હસ્તપ્રત. જ – ગુજરાત વિદ્યાસભા, અમદાવાદની ક્ર્માંક ૭૮૮अ વાળી, સં. ૧૮૨૧ માં લખાયેલી હસ્તપ્રત, ઝ – ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈની ક્ર્માંક ૨૧૪ વાળી, સં. ૧૮૩૧ માં લખાયેલી હસ્તપ્રત. ટ – ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈની ક્રમાંક ૬૮ વાળી, સં. ૧૮૮૯ માં લખાયેલી હસ્તપ્રત. ઠ – ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈની ક્રમાંક ૧૧૨ વાળી, લખ્યા સંવત વિનાની, પણ ઠીક ઠીક જૂની, હસ્તપ્રત. ઠ-૧-ગુજરાત વિદ્યાસભા, અમદાવાદની ક્ર્માંક ૮૦૪ વાળી, સં. ૧૯૨૯ માં લખાયેલી હસ્તપ્રત. ડ – ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈની ક્રમાંક ૫૬૯ વાળી, સં. ૧૮૬૧ માં ત્રીજા કડવાની પહેલી લીટી સુધી લખાયેલી હસ્તપ્રત. હ – ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક’, વર્ષ ૩, અંક ૧ માં પ્રસિદ્ધ થયેલી મુદ્રિત વાચના. ગુ – ગુજરાતી પ્રેસ, મુંબઈના ‘બૃહત્કાવ્યોહન’, ગ્રંથ ૨ માં પ્રસિદ્ધ થયેલી વાચના. અત્રે મોટે ભાગે સૌથી જૂની હસ્તપ્રતના પાઠને પસંદગી આપવામાં આવી છે, અને નહિ સ્વીકારેલા પાઠપાદટીપમાં આપ્યા છે.]

સ્રોત

  • પુસ્તક : ‘પ્રેમાનંદની કાવ્યકૃતિઓ’ (પૃષ્ઠ ક્રમાંક 254)
  • સંપાદક : કે. કા. શાસ્ત્રી, શિવલાલ જેસલપુરા