શ્રી સરસ્વતી પ્રીતે પૂજીએ, સકળ વાત સિદ્ધ સૂજીએ;
શ્રી ગુણનિધિ ગુણ ગંભીર, ધર્મ ધોરંધર સાહસિક ધીર.
ભૈરવ રાજ મહારાજધિરાજ, લક્ષણ લાજ કરણ શુભ કાજ;
આદ અન્નપુરણા આરાધીએ, ધરમ કામ શીઘ્રે સાંધીએ.
કહું વાત ઉત્તમ આઠમી, ઠરાવ બુદ્ધિ તણા ઠાઠની;
ચંદનાવતી નગરી અનુપ, ચંદનસેન ભડ ભારે ભૂપ.
માનની તેને મલયાગરી, સતી શિરોમણિ ધરમે ધરી;
સાયર નીર બે પુત્ર સપૂત, નરપત વ્રખ નૌતમ બે સૂત.
રાજ ચલાવે રૂડી રીત, પ્રજા ઉપર અદકેરી પ્રીત;
હાથી ઘોડા અલખત ઘણી, મહીપત સઘળા કેરો મણિ.
અસત્ય અન્યાય તનથી તાજ, રામ સરીખું ચલાવે રાજ;
મહીપતિએ કીધો એક મહેલ, તે આગળ ઈંદ્રાસન સહેલ.
મંદિર મેડી ને માળિયાં, જુગત થકી રૂડાં જાળિયાં;
પરસાલ પટશાળા પાક,હયશાળા રથશાળા આંક.
ગજશાળા દેવશાળા ઠામ, કીધાં એવા કોટીક કામ;
મહેલ મળ્યાનું મુહૂર્ત લીધ, કોડે વાસ પૂજાનો કીધ.
પોઢ્યો છે રાજા પ્રૌઢ પલંગ, મલિયાગરી માનીતી સંગ;
ગેબી શબ્દ ઊઠ્યો મધરાત, કાને સાંભળી વિપરીત વાત.
પડું પડું પડું ત્રણ વેળા કહ્યું, અચરજ તે રાજાને લહ્યું;
નવા મહેલ કીધા સુખ કામ, શું પડશે તે એણે ઠામ.
એમ વિચારી છાનો રહ્યો, એટલે શબ્દ એક બીજો થયો,
હમણાં પડું કે વળતો પડું, જેમ તેમ એકવાર તો નડું;
કહે તો વૃદ્ધ કાલે ચિત્ત ચડું, કહે તો બાળપણામાં પડું.
સમજ્યો રાજા સમજી નાર, પડે પનોતી અપરમપાર,
કહે છે વાંકા દિન અતિ ઘણા, પડે વિપદ એમાં શી મણા.
(દોહરા)
રાજા બોલ્યો રીસમાં, પડવાની આ પેર;
વળતી પડીને શું કરીશ, વૃદ્ધપણામાં વેઠ.
અરુણ ઉદે તે ઊઠિયો, જોશીને પૂછ્યા જોશ;
ગુણકાર ગુણકે કહ્યું, માઠા છે ગ્રહ દોષ.
બેઠી પનોતી લોહમાં, બેઠો બારમો રાહ;
કૂડો કહે તું આઠમો, ચોથો કુંભનો ચાહ.
ટાળી કોઈની નવ ટળે, રૂડી ભૂંડી રેખ;
ભોગવ્યા વિણ છૂટકો નથી, લખ્યા લલાટે લેખ.
પાઠ પૂજા ને પુન્ય કર્યા, કર્યાં અષ્ટમાહ દાન;
જપ તપ સત સાધન કર્યાં, માગણ પામ્યા માન.
પુંડરીક પાંડુ દેશનો, જન્મતણું છે ઝેર;
લશ્કર લઈને આવિયો, કોપ કરતો કેર.
કટક કારમાં ચૌદે ચઢ્યા, રણથંભ રોપ્યો જંગ;
ઘેરાણું લશ્કર ગામનું, સામદ ન રહ્યો સંગ.
નાઠો ત્યાંથી મહીપતિ, માણ્યો મોહોલની માંહ્ય;
સાયર નીર મલિયાગરી, ત્રણે હુતાં ત્યાંહ.
ત્રાસી નાશી છૂટિયાં, ચતુર ઘરનાં ચાર;
ભેળાણી ભોમી ગામની, ક્ષણું ન લાગી વાર.
પુરપત તો પુંડરીક થયો, ગયો ખજાનો હાથ;
અડવાણે પગ એકલાં, ચાલ્યાં વાટે સાથ.
બાવીસ જોજન બાપડાં, ભૂખ તરસ ને દુ:ખ;
વસ્ત્ર વિના વનમાં ફર્યાં, સઘળું તજિયું સુખ.
નદી આવી ત્યાં નર્મદા, ઊતરવું પેલે તીર;
કાંઠે બેસાડ્યા કુંવર બે, સાયર બીજો નીર.
લીધી મલયાગરી પીઠપે, ચાલ્યો પાણી માંહે;
મૂકી બીજે તીરડે, પાછો ફરિયો ત્યાંહે.
માનુની મૂકી મહીપતિ, ભમરામાં પડ્યો ભૂપ;
ગળ્યો મઘર તે ગુણનિધિ, રૂડો રઢિયાળો રૂપ.
એક તીરે પુત્રો રહ્યા, બીજે તીરે નાર;
કળી શકે નવ દૈવ ગતિ, તૂટી ગયો સંસાર.
વનિતા વાટ જોતી રહી, નાવ્યો પતિ કે પુત્ર;
ક્યાં રહું ને ક્યાં જઉં, ક્યાં શોધું ઘરસૂત્ર.
એટલે એક વણઝારડો, નાયક નરપતિયો નામ;
પકડી તેણે પ્રેમદા, લઈ ગયો ગુણ ગામ.
દેખી દેવ સરીખડી, જોયાં ચંતનીનાં ચહેન;
પૂછી વાત પટંતરે, કહી મુખથી બાઈ બહેન.
ખાઓ પીઓ રમો જમો, માણો મંદિર માંય;
પછે પેર શી નીપજી, તન ઊભા બે ત્યાંય.
વેડાંગ વાઘ નવ હાથનો, જુલમ જોરાવર જોધ;
અધિક ડોટ તે ઉપરે, કરતો આવ્યો ક્રોધ.
નાઠાં બાળક નાનડાં, વિકટ વાટ છે વન;
પર્વત પેલે અઘોર વન, નહિ કો માનવ જંન.
ભૂખ તરસ તડકો ત્યહાં, તરફડે દેખી તાપ;
વડ હેઠે જઈ વિરમ્યાં, અરભક એકલાં આપ.
નીર વિના તે નીરનું, સુકાણું સદ્ય શરીર;
બંધવને બેસાડીને, ગયો સાયર વીર.
નીર સૂતો સોડ તાણીને, નીકળ્યો નમેરો નાગ;
ડસ્યો અંગૂઠે અદીઠડે, પ્રાણ પછાડ્યા પાગ.
ઝેર ચઢ્યું કોઈ જુગતનું, તે વેળામાં તરત;
પૂરવ જન્મના સંચથી, બાળક પામ્યો મ્રત.
સાયર ત્યાં જળ લાવિયો, દીઠી રુધિરની રેલ;
દાવાનળ દુ:ખ દેહમાં, બાંધવ કેરો બેલ.
ખાંધે લીધો તે વીરને, રુદન કરે તે રાન;
વિલાપ કર્યાં વનમાં ઘણા, કોણ સાંભળે કાન?
જોજન ચારે ગામ છે, નરવાહન નરપત નામ;
અરભક આપે એકલો, આવ્યો છે તે ઠામ.
શાહુકાર એક શિરોમણિ, લખપતિ કહે સહુ લોક;
એની દુકાને ઊભો રહ્યો, સપૂત તણે મન શોક.
પોંચી એક પાસે હતી, નૌતમ કોટીનાં નંગ;
અમુલખ અવની વિષે, શોભિત રૂડે રંગ.
સોંપી તે શાહુકારને, લીધાં સુખડ કાષ્ટ;
ગાડું ભરાવી ત્યાં ગયો, દૈવે વાળ્યો ડાટ.
કૌતક એક કારમું હવું, વૃક્ષ ઉપર તે વરત;
માળો હતો ત્યાં ગરુડનો, જ્યાં બાંધ્યું તું મરત.
ગરુડ આવ્યો ઘન ગાજતો, માણ્યો માળા માંહ;
બાંધ્યો દીઠો બાપડો, મ્રતક તો વળી ત્યાંહ.
જીભથી અમ્રત કાઢિયું, ખાંતે સીંચ્યું ખગરાય;
ઈશ્વરની આજ્ઞા થકી, ઊઠી બેઠો થાય.
પગે લાગ્યો પંખી તણે, જોડીને બે હાથ;
કહી વિગતની વારતા, શ્રીમંત થયો સનાથ.
ઓસડ આપ્યું અધિક એક, પહોંચશે મનના કોડ;
ચોળ્યાથી ચિંતા ટળે, જાય રગતપીત રોગ.
બીજું અંજન લે બાળકા, અંધની આંખે આંજ;
દારુણ દુ:ખ મટી જશે, ગુણ બે એના ગાજ.
ઓસડ બે લઈ ઊતર્યો, નામ જ જેનું નીર;
પૂરવ દિશાએ પરવર્યો, સજીવન શુદ્ધ શરીર.
સાયર વૃક્ષ તળે ગયો, ન મળ્યો એકે મેળ;
વીર ન દીઠો વડ પરે, ખરો દુ:ખનો ખેલ.
આશ મૂકી નિરાશ થઈ, પૂરણ વિચારી પેર;
શાહુકાર સમીપે સંચર્યો, ગરથ મેલ્યો જે ઘેર.
શાહુકારે મન સોચિયું, એ તો માલ અમૂલ્ય;
સામ દામ ભેદે કરી, કરવું કાંઈ એક શૂલ.
વાહીને રાખ્યો વાણિયે, જમાડ્યો આપી જાગ;
પોંચી પચવા પેરથી, લક્ષણ વિચારી લાગ.
મધરાતે મંદિર વિષે, પાડી બૂમ પોકાર;
તસ્કર કરીને બાંધિયો, આપ્યું દુ:ખ અપાર.
વજીરને મળ્યો વાણિયો, આપ્યો દ્રવ્ય અતીશ;
શૂળી દેવરાવો સંચથી, કે છેદાવો શીશ.
વજીરે હુકમ ચલાવિયો, છેદો એનું શિર;
જીવતો ન જાએ પાપિયો, ટાળો એની પીડ.
પાપી લઈને ચાલિયા, જ્યાં અરણવનું નીર;
દીઠું દેવાંશી સરીખડું, સતવાદીનું શરીર.
આ અવતાર પાપી અવતર્યા, કરશું આવાં કામ;
કયે ભવે થાશે છૂટકો, નથી નરકમાં ઠામ.
એક વહાણવટીનો પાળિયો, જાતો તો વિદેશ;
ચંડાળે તેને સોંપિયો, અધિક જ્ઞાન ઉપદેશ.
ચોર નથી એ ચતુર છે, કરમે કીધો ચોર;
આગળ ધરમ એનું તરે, એમ કહ્યો અંકોર.
વહાણવટી તેડી ગયો, સાયરને શહેર માંય;
એક મ્રગનાં લોચન ગ્રહ્યાં, પાપી આવ્યા તાંય.
એમ ચારે ચોવાટે ગયાં, રહ્યાં જૂજવાં રાન;
ચંદનરાય જળમાં પડ્યો, કહું કરતૂત સુણ કાન.
મગરે ગળ્યો તો મહીપતિ, ઢીમરે નાંખી જાળ;
પેટથી કાઢ્યો પુરપતિ, નર કીધો તે ન્યાલ.
કામ કરવા તેના ઘરતણું, રાખ્યો રૂડી પેર;
વચન બંધાણો ત્યાં રહ્યો, ગુણવંતો તે ગેર.
ચંદન રહ્યો ઢીમર ઘરે, આગરી વણઝારા વાન;
સાયર તો શહેરમાં ગયો, નીર રઝળતો રાન.
(છપ્પો)
જ્યારે વાંકા ગ્રહ હોય, મમત મન મુખથી મરડે;
જ્યારે વાંકા ગ્રહ હોય, દૈવ થઈ રાજા દંડે;
જ્યારે વાંકા ગ્રહ હોય,વછોહ વહાલાનો વ્યાપે;
જ્યારે વાંકા ગ્રહ હોય, મૂકી કોઈ થાપણ નાપે;
રાજ રિદ્ધ સિદ્ધ સુખ ગ્રહ થકી, કરમ લે તાણી ગ્રહ લખે,
સામળભટ સાચું કહે, ગ્રહને કો દૂભો રખે.
(ચોપાઈ)
ચારે જણ ચોવાટે રહ્યાં, પછી તે એકઠાં કેમ જ થયાં;
જ્યારે પાધરા ગ્રહ થાય છે, ત્યારે દરિદ્ર તેનાં જાય છે.
(છપ્પો)
બાર વરસ વનવાસ, રામશિર રાહુ દશા છે;
મંગલ દશા ઇતિહાસ, પાંડવ વૈરાટે વસ્યા છે.
દ્વાદશમે થયો ચંદ્ર, ઈંદ્ર ગૌતમી ગયો,
ઘાત ચક્ર ઉતપાત, દુર્જોધન બહુ વવાંશો;
શનિશ્ચર ચોથે વલી સીતને, વન રઝલાવ્યાં કલંક ચઢ્યાં,
સામળ કહે નડે ગ્રહ સર્વને, દેવ આગલ કિંકર કશા.
(ચોપાઈ)
નાનો બંધવ જે છે નીર, સુખ પામ્યો છે જેહ શરીર;
ભમતો ભમતો ભૂલો પડ્યો, ગામ નરવાહન તણે જઈ ચઢ્યો.
નરપત નગરીનું છે નામ, આવ્યો નીર બાંધવ તે ઠામ;
અપંગ તે તો રાજા થયો, રગતપીતને રોગે રહ્યો,
વાપ્યો કોઢ કાયામાં કષ્ટ, પેલા જન્મનો એ પાપીષ્ટ;
તેણ સુખ કર્યું’તું તાજ, ઈચ્છે કોઈને સોંપવા રાજ.
શણગારી હેતે હાથણી, સુદ્ધ્ ઈરાવત સાથની;
મળી મેદની અપરમપાર, રાય રંક દાતા જુઝાર.
કરી પ્રતિજ્ઞા તેણે ઘણી, કળશ ઢોળે તે ધરતીનો ધણી;
વાચા ચૂકે તેને પાપ, સાખી સૂરજ ને શિવનો શાપ.
ફરતી ફરતી હાથણી જોતી ફરે, કબૂલ તે કોને નવ કરે;
ફરતી આવી ત્યાંય, ગરીબ રંક ઊભા છે જ્યાંય.
ઢોળ્યો કળશ નીર બાળક શીશ, પ્રસન્ન થયા ઉમિયાપતિ ઈશ;
તે કુંવરનું તોળ્યું તોલ, ચૂક્યો નહિ જે બોલ્યો બોલ.
રાજકુંવર બેસાડ્યો રાજ, કર્યું પુન્ય તે વેળા કાજ;
અંધ કહે જાઉં કાશીએ, તું કર રાજ વસુધા વાસીએ.
શા માટે કાશી જાઓ છો, દેહમાં બહુ દુ:ખિયા થાઓ છો;
કીધું અંજન તેને કરજોડ, ચોળ્યું ઓસડ ગયો છે કોડ.
આંખ ઉઘાડી રોગ જ ગયો, વૃદ્ધ રાય તે સાજો થયો;
તેને ઉપજ્યું અદકું હેત, સોંપ્યું તન મન ઘર સમેત.
ચંદ્રમુખી તેને તનયા એક, પરણાવી બહુ કરી વિવેક;
આણ વરતાવી પુરમાં પત્ર, શિર સોવરાવ્યું તેને છત્ર.
ખાય પીએ ને ખૂબી કરે, સજ્જન પોતાનાં નિત સાંભરે;
હવે સાયર જે શહેરમાં ગયો, સમાચાર તેનો શો થયો.
કરે વણિકતણી ચાકરી, બાંધે નહીં કોશું બાકરી;
ઠ્ઠાબાકર સિંધુ તીર, અરબ ખરબના વાહે નીર.
ત્યાં જઈ પહોંચ્યાં તેનાં વહાણ, પુર પ્રતે કીધાં પરિયાણ;
વેટી વસ્ત ખરીદ્યો ખ્યાલ, ભર્યો બીજો મેન મીનો માલ.
ઢોકલસંઘ તે ગામે ધણી, ગુરુઓ ડહાપણ બુદ્ધિ ઘણી;
તેને ઘેર એક બે ઘોડલા, જુગત ગંગાજળ જોડલાં.
હાડે હાલે ફોકટ ફરે, વારુણી પીને બાંધ્યા ચરે;
અસ્વાર થઈ બેસે કો પીઠ, ધરતી ઉરાડે ધરે નહિ શીશ.
દીસંતા તે દેવસ્વરૂપ, રત્ન જડી ભમાડ્યા ભૂપ;
કો હાંકે નવ ઘાએલ ગરદ, માણે નહિ કો પીઠે મરદ.
શેઠ વહાણવટિયલ તણો, તેને સ્નેહ રાજાશું ઘણો;
કરે વાત સભામાં જ્યાંય, વાણોતર ઊભો છે ત્યાંય.
જળનો જોલો છે હાથમાં, સમીપ શેઠતણા સાથમાં;
રાજા કહે વેપારી સુણો, જાણતા હો તો વાત એક ભણો.
અશ્વ અનુપમ છે અમૂલ, સૂરજરથ જેવા અણતૂલ;
દીસંતા તો જાણે દેવ, પણ એની ખોટી છે ટેવ.
પીઠ બેઠે ભરે નહિ પાગ, બાકી છે લાખેણો લાગ;
છે મરદ મુછાળો તમ સાથ, કે રાખે ઘોડો મારો હાથ?
વાણિયો કહે અમે બીજીએ, ભારે કામ તે ક્યા કીજીએ;
ત્યારે ચાકર બોલ્યો વાણ, કર્યો પ્રણામ જોડી બે પાણ.
એ ઘોડો ઓળખીએ અમો, તુરી તે દેખાડો તમો;
ત્યારે વાણિયે કીધી રીશ, દીધી ગોળો તેને દસવીશ.
અશ્વ બેસનારો તે આવિયો, શૂળી દેતાં ત્યાંથી લાવિયો;
પુરપતિએ પરીક્ષા કરી, તરત મંગાવ્યો ત્યાં તે તુરી.
ચોકડું મોરડો પલાણી પીઠ, દેવરૂપ દેવાંશી દીઠ;
કરી સલામ વળગ્યો પાવડે, ચતુર નર ઘોડા પર ચઢે
દીધાં તશ્વ ત્યાં દશને બાર, ખાંતે તો ખેડ્યો તોખાર;
પાંચ સાતેક રપેટી દીધ, વેડાંગ વાંકડો રાંકડો કીધ..
બીજો ખેડ્યો બુદ્ધિનિધાન, રાએ વિચાર્યું ત્યાં મનમાન;
એ કો બત્રીસ લક્ષણો ઈંદ્ર, શોભે જેમ તારામાં ચંદ્ર.
અધિપતે દીધી અદકી આશ, પ્રીત કરી બેસાડ્યો પાસ;
નહિ ચોર ચતુર છે એહ, દેવરૂપ દેવાંશી દેહ.
રૂપનિધાન કંદ્રપલોલ કુંવરી એક, વહાલી રાયને તે વિશેક;
લગ્ન લેવરાવ્યું તેણી વાર, બુદ્ધિનિધાનને પરણાવી બાળ.
જામાત્ર કરી સાયર થાપિયો, એક અશ્વ અલખત આપિયો;
પસાય પહેરામણી પ્રીતે કીધ, ગરથ અરથ અદકેરો દીધ.
શેઠ સેવકને કહે સાથે આવ, અરથ ગરથ કન્યાને લાવ;
કહેણ માન્યું તેનું કો કથી, લુણહરામ નર થાતો નથી.
અધિપતિએ આપ્યું બહુ હાથ, સ્ત્રીને મોકલી સ્વામી સાથ;
પાછાં હાંક્યાં વિદેશે વહાણ, પલટ્યો તે વણિકનો પ્રાણ.
દગો તો એ ચાકરને દેઉં, અશ્વ અનોપમ ને સ્ત્રી લેઉં;
નિદ્રાવશ થયો જ્યાહરે, નાંખ્યો જળ માંહે ત્યાહરે.
રાખનારો જેને માથે રામ, લઈ શકે ન કો તેનું નામ;
આપ્યું પાટિયું હરિએ તે પર ઘડી, ચતુર તે પર બેઠો છે ચડી.
રાત દિવસ ને સાંજ સવાર, પુન્ય પ્રતાપે પામ્યો પાર;
જે ગામે બંધવ રાજ કરે, પાટિયું તે ઠેકાણે ઠરે.
(દોહરા)
મોકલ્યો હુતો મારવા, પોંચીવાળો પરચંડ;
રાવ કરું જઈ રાવળે, દેવરાવું એને દંડ.
રાજદ્વારે જઈ રહ્યો, અચરત અદકું હોય;
દીઠો બંધવ પોતા તણો, કળી ન શકે કોય.
મેં તો મરત જ બાંધિયો, વડ જ ઉપર વાટ;
સજીવન એ ક્યાંથી થયો, અચરત એ અગાધ.
રાજા બેઠો રાજમાં, પંથી તેડ્યો પાસ;
અરસપરસ બે ઓળખ્યા, લીલા લહેર વિલાસ.
એકાંત બેઠા બે ઓરડે, કહી વીતકની વાત;
સંજોગ થયો વિજોગનો, શોભ્યા વરસે સાત.
ખગરાજ પંખી એક ઊતર્યો, કર્યો સજીવન દેહ;
રાજ પામ્યા નગરનું, દૂધે વૂઠ્યા મેહ.
નિરમળશા જે નગરમાં, પોંચી મેલી પ્રીત;
તેણે મોકલ્યો મરાવવા, રૂડી કીધી રીત.
દંડ કર્યો તે લાંઠને, લાખો પોંચી લીધ;
ખરવાહન કરી ફેરવ્યો, જેણે કામ એ કીધ.
એટલે વહાણ વિદેશનાં, ઊંતર્યા આવી તીર;
સાહી આણ્યો શાહુકારને, જેણે નાખ્યો નીર.
માલ સરવ માલમ કર્યો, લીધો તો તોખાર;
તેને લીધો જીવતો, લીધી નિર્મળ નાર.
નિષ્કલંક નિર્મળ કામની, અદકું સાબૂત આપ;
તે દેખાડ્યું પારખું, વેદ પુરાણે છાપ.
બંધવ બે સુખિયા થયા, કહી વીતકની વાત;
વણજારા માંહે હતી, જેહ પોતાની માત.
તે નાયક આવ્યો નગરમાં, પંચલખ્ખી છે પોઠ;
તે રાજાના મોહોલમાં, ગુણવંત બેઠો ગોખ.
વાત કરી વિનોદની, કર્યા ચતુરાઈ ચેન,
તે નાયક કહે અમે ઊઠીશું, વાટ જુએ મુજ બહેન.
રાજકુંવર મન રીઝિયા, પૂછી પટંતરે પ્રીત;
માનો આજ્ઞા બહેનની, એ તો રૂડી રીત.
છે નાની કે મોટી છે, પિતરાઈ કે ઓરમાન;
કે સગી કે સાવકી, ગુણીજન કરો ને જ્ઞાન.
નાયક કહે નરપત સુણો, અમો બોલીએ બહેન;
માજાઈથી અદકી એ ઘણું, તન મન ધન એ એન.
કન્યા તે કંથ વહાલા તણી, નારાયણશું ચેન;
ચંતની ચંદન રાયની, છે મોંયબોલી બેન.
સાયર નીર બે દીકરા, વહાલા તણા વિજોગ;
તે રડવડતી’તી રાનમાં, ભામની કર્મના ભોગ.
હેતે હાથ મારે ચડી, દેવી દેવાંશી ડાહી;
મલિયાગરી તે ભામની, હું તો તેનો ભાઈ.
વણઝારાને વધામણે, આપ્યો મોતી હાર;
હેત હરખ હૈડે થયું, ઊલટ અપરંપાર.
અણવણ પાએ અધિપતિ, મલિયા માને બેય;
આંસુ ચાલ્યા હરખનાં, નૌતમ વાધ્યો નેહ.
થાને ભીનો કંચુઓ, હરખનાં વાગ્યાં બાણ;
અરસપરસ વરસ બારનાં, વિગતે કર્યાં વખાણ.
પાયે લાગી બે પદ્મની, કુળવંતી કહેવાય;
ચંદનની ચિંતા થઈ, ગુણ સહુ તેના ગાય.
ગોર એક ડાહ્યો ઘરતણો, પ્રીતે તેડ્યો પાસ;
લેખ લખી એક આપિયો, અતિશે દીધી આશ.
પરમુલક પરદેશમાં, ગુફા ઘેવર કે ગામ;
સખ્યો કાગળ દેખાડજો, ઠરજો જોઈને ઠામ.
“ક્યાં ચંદન ક્યાં મલયાગરી, ક્યાં સાયર ક્યાં નીર;”
કહેતા ફરજો એટલું, શોધન કરો શરીર.
પ્રતિ ઉત્તર પ્રીછે તેનો, પૂરો લખાવજો લેખ;
કામ સરે સહી આપણું, તેમાં નહિ મીનમેખ.
વિપ્ર હીંડે વાંચતો, લખિયો કાગળ ગાય;
છાનાં રહે સૌ સાંભળી, ઘાવ પૂરો નવ થાય.
એક સમે એક ગામમાં, બેઠો બુદ્ધિનિધાન;
વાંચ્યો કાગળ વિપ્રજન, સિદ્ધ થયો સાવધાન.
વિભૂત ચોળી છે વપુ વિખે, જટા ધરી છે શીશ;
દેરે બેઠો દરિયા તટે, અહરનિશ પૂજે ઈશ.
સમરણ કરે શૂલપાણનું, ધરણીધરનું ધ્યાન;
વાંચ્યો કાગળ વિપ્રજન, પોતાને અભિધાન.
કાગળ લીધો કરથકી, વાંચી જોયો વરત;
અખંડ ધાર આંસું તણી, તે વેળા ચાલી તરત.
તેણે ઘાવ પૂરો કર્યો, વિપ્ર હાથથી વેદ;
પાછો આપ્યો પંડિતને, ભ્રાંત ન ભાગી ભેદ.
“ક્યાં ચંદન ક્યાં મલયાગરી, ક્યાં સાયર ક્યાં નીર;
જિમ જિમ પડે વિપત્તડી, તિમ તિમ સહે શરીર”
વિપ્ર વધામણી લાવિયો, જ્યાં છે રાણી રાય;
વાત કહી વિદેશની, ઊલટ અંગ ન માય.
દક્ષણમાં દેરું દેવનું, ધર્યો જોગીએ જોગ;
તેણે કાગળ વાંચિયો, ભાવ ધરીને ભોગ.
અખંડ ધાર આંસુ વહે, ન રહી ધારણા ધીર;
“જિમ જિમ પડે વિપત્તડી, તિમ તિમ સહે શરીર”.
પૂરો કરી આપ્યો પલકમાં, આવ્યો ઊલટ ભેર;
એક માસમાં આવિયો, રાય તમારે ઘેર.
દુંદુભિ વાગ્યાં દેવનાં, ગડગડિયાં નિશાન;
તન બે ચાલ્યા તેડવા, ભાવે ઉદિયો ભાણ.
પાગ નમ્યા પિતા તણે, દંડવત કર્યા દશવીશ;
પ્રદક્ષણા પંદર કરી, ખોળે મેલ્યાં શીશ.
એકાંત બેઠા અધિપતિ, તન બે ત્રીજો તાત;
વીતક કહી વરસ બારની, કહી વિસ્તારી સૌ સાથ.
મુસ્તક મુગટ ધરાવિયો, શિર સોહાવ્યાં છત્ર;
હસ્તિએ બેઠા હેતથી, પંચ પિરોજા પત્ર.
ગડગડ્યાં ઘોર નિશાન ને, આવ્યા ગાતા સાથ;
ભેટ્યાં પોતે ભાવશું, સતવંતી સ્ત્રી સાથ.
દિવસ દોહેલા વહી ગયા, રૂડું પામ્યા રાજ;
સેના લઈને સંચર્યા, પેશકશાને કાજ.
દીવાન મેલ્યો તે ગામમાં, ઠરાવ કરી રાખ્યો ઠામ;
ચતુર નર ચારે જણાં, આવ્યાં ચંદનાવતી ગામ.
વીંટ્યુ ગામ વસુધાપતિ, વરત્યો જેજેકાર;
પુંડરીકને પ્રાજે કર્યો, ક્ષણું ન લાગી વાર.
આણ ફેરવી આપણી, શોભ્યા સજ્જન સહુ સાથ;
અરથ ગરથ ભંડારનો, પુંડરીકનો આવ્યો હાથ.
પ્રૌઢાં મંદિર માળિયાં, પ્રૌઢાં ગામ ગરાસ;
પ્રૌઢી પ્રજાની પ્રીતડી, પામ્યા લીલવિલાસ.
ચંદન ને મલિયાગરી, તન સાયર ને નીર;
બે વહુઓ તેની બાળકા, છએ શુદ્ધ શરીર.
ખાય પીએ દિન નિરગમે, આનંદે દિન જાય;
એક દિવસ એક રાતમાં, બીજું કૌતુક થાય.
મહીપતિ પોઢ્યો મેડીએ, મેનમેન માઝમ રાત;
જાગે પોતે એકલો, સૂતાં માનવ જાત.
એટલે શબ્દ બીજો થયો, પડું પડું પડું કહ્યું ત્રણ;
તેહ સાંભળ્યું સર્વદા, સ્વયં રાયે નિજ કર્ણ.
પડું પડું તે શું કહે, પડીશ તું હવે કેમ;
કાંઈ બાકી રાખીશ મા, રાખે તે મુજ સમ.
મોટો કડાકો મહેલમાં, તૂટી પડિયો તરત;
દીપક જોત દશે દિશા, નરપત કીધી મરત.
સાક્ષાત્કાર કોઈ શક્તિ છે, શોભામાં લક્ષમી મૂલ્ય;
થયો ઢગ હીરાતણો, ચિંતામણિ સમતુલ્ય.
પ્રકટી કન્યા કો કારમી, પદ્મની પૂરણ પૂર;
સિંહલંકી શુભ કામની, નારીમાં બહુ નૂર.
વેણ દીસે વાસુકિ તણી, ઉદર આપ અપાર;
વાસ દીસે વનિતા તણો, હૈડા કેરો હાર.
દીઠી કો દેવાંગના, જોઈ રામાનું રૂપ;
એ કન્યા કોને પરણશે, ભ્રાંતમાં પડિયો ભૂપ.
ત્યારે શબ્દ બીજો થયો, સાંભળ રાજા કરણ;
પિતા એક ને પુત્ર બે, તોલ વિચારો ત્રણ.
જેણે દુ:ખ વેઠ્યું ઘણું, તેનું કરજો તોલ;
તે કન્યાને પરણશે, બોલ્યા એવા બોલ.
એટલે સરવે જાણિયું, પેર વિવાહની વાત;
પુત્ર પિતા સહુકો મળ્યા, પોફાટે પરભાત.
વેદ વચન લોપાવિયું, માન્યું કારણ વરત;
તે લગને તે મહૂરતે, પરણાવી કન્યા તરત.
ઢોલ ઢબૂકાં થઈ રહ્યાં, પરણ્યો રૂડી પ્રીત;
વિવાહમાં વરણવ કશા, રાજસ રૂડી રીત.
શબ કહે સતવાદી સુણો, વિક્રમ વીર વડહથ્થ;
દાને માને ડહાપણે, શુભ કામે સમર્થ.
વેઠ્યું દુ:ખ કોણે ઘણું, કોણ પરણ્યો કન્યાય;
બ્રહ્મહત્યાદિક પાપ છે, જો બોલો અન્યાય.
છાનો કેમ રહે છત્રપતિ, સાચી વાતપર સ્નેહ;
જળ મૂક્યું જૂઠી વાતનું, એહ દેવાંશી દેહ.
જેને દેતાતા શૂળીએ, નાંખ્યો સમુદ્ર માંય;
કન્યા પરમાવી તેહને, તોલ કરીને ત્યાંય.
પિતા બૂડ્યો પલકમાં, ઢીમરે કાઢ્યો બહાર;
સુખે શિવ દેરે રહ્યો, પામ્યો દુ:ખ તે પાર.
વનિતા વણઝારે પડી, ખાન પાન સન્માન;
દુ:ખ પડ્યું વિજોગનું, વેઠે પણ નિશાન.
મૃત્યુ પામ્યો મહીપત થયો, રૂડું ભોગવ્યું રાજ;
શૂળીવાળે દુ:ખ બહુ સહ્યું, કર્યું પરઘેર કાજ.
બહુ દિવસ વરસ સાતથી, ચાંપ્યા તેના ચરણ;
જળ ભરતો અન્ન રાંધતો, કીર્તન સંભળાવતો કરણ.
દુ:ખના એને ડુંગરા, દુ:ખનાં ઝાઝાં ઝાડ;
જળ સાયરથી જીવિયો, તેમાં પ્રભુનો પાડ.
સાબાશ કહી શબ ઊડિયું, ચોટ્યું વડને ઠેઠ;
જ્યાં મસાણ છે ગાંધ્રવિયું, ક્ષિપ્રા વહે છે હેઠ.
પુરપતિ તો પાછો વળ્યો, ગુણવંત આવ્યો ઘેર;
સિદ્ધ આગળ માંડી કહી, પ્રભાત સમે સૌ પેર.
આપું તુજને એહ તો, ત્યારે પીશું નીર;
અનજળ નવ ભક્ષણ કરું, સાંભળ સિદ્ધ શરીર.
રખીદાસ પ્રતાપથી, થયો ગ્રંથ એ સાર;
એ ગ્રંથ જેણે ઓળખ્યો, નહિ જમડા દે માર.
નવમે દિવસે નરપતિ, ઠીક કરાવી ઠાઠ;
સામળભટ સાચું ભણે, કથા થઈ છે આઠ.
શ્રોતા વક્તા સૌ સાંભળે, અંબા પૂરે આશ;
કલ્યાણકારી સૌ વિશ્વને, કહે કવિ સામળદાસ.

સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ