devki ane kans - Akhyan | RekhtaGujarati

દેવકી અને કંસ

devki ane kans

પ્રેમાનંદ પ્રેમાનંદ
દેવકી અને કંસ
પ્રેમાનંદ

વિનવે દેવકી હો, વીરાને વલવલી;

માનને માગે હો, મુખે દશ આંગળી.

હૃદયા ફાટે હો, નયણે જળ ભરે;

સકુમાર કુંવરી હો, કાલું કાલું ઓચરે.

માનુષી દેહ ધરી હો, વિપત શી આવડી;

કોણ મુકાવે હો, નહીં પિતા માવડી.

ભાઈ તેં ઉછેરી હો, નમાઈ હું રાંકડી;

કેમ સહું રાતી હો વીરાજીની આંખડી.

મહિયેર મારું હો, તું મથુરાપતિ,

ઉગ્રસેન કાકા હો, આજ પાસે નથી.

કહાં ભોગવશો હો, પાપનો પોટલો;

શિર મારું દુખે હો, તાણો મા ચોટલો.

માળા મારી તૂટી હો, પડે કરમુદ્રડી;

દેખે અંગ લોકડા હો, ખસી મારી ચુંદડી.

જે પરણાવે હો, તે વધ કેમ કરે?

મીંઢળ નથી છૂટ્યાં હો, ના ગઈ સાસરે.

તંબોળ પરણ્યાનો હો, મૂક્યો નથી સાવલિયે;

મા મારો, છઉં કોડભરી હો, લાગું તારે પાવલિયે.

જેહેને ઉછેરીએ હો, તેને નવ મારીએ;

ઘણું વોળાવી હો, ઘેર પધારીએ.

ગગનવાણી હો, કો વેરણ મુજ તણી :

સાચું રખે માનો હો, જુઓ હું દુર્બળ ભણી.

એમ વલવલતી હો, રોતી ગજગામની;

દેવકી રોતાં હો, રોઈ પ્રજા ગામની.

રોયાં વૃદ્ધ જોબન હો રુએ બાળક બાડુવાં;

રોયા હય હસ્તી હો, રોયાં નગર ઝાડુવાં.

રોયા ગગને દેવતા હો, રોયા વસુદેવ પતિ;

પણ નિરદે કંસને હો, દયા નથી આવતી.

(વલણ)

દયા આવે કંસને, ક્રોધી મથુરાનાથ રે;

જેવે ધાઈ ઘાય મૂકે, વસુદેવે ઝાલ્યા હાથ રે.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941