ભાલણ
Bhalan
બૃહદશ્વ ઋષિ એમ બોલિયા, સુણો રાય રે,
શુભ લગ્ન મુહૂર્ત, કરી રચનાય રે.
મોકલ્યાં આમંત્રણ જાણ, તેડ્યા રાય રે;
કામવાસનાવાળા સર્વ, સજ્જ સહુ થાય રે.
દમયંતીને વરવા તણી, છે મન ઇચ્છાય રે;
પુષ્પસાર માળા પેરી, મણિ જડિત કુંડળ શોભાય રે.
આંમંત્રણ સુણી આવિયા, જ્યાં મંડપની રચનાય રે;
સ્થંભ સુવર્ણના મનોહર, મણિ તોરણ શોભાય રે.
પર્વત કેરા વિવર માંહે, પેસે જિમ વનરાય રે;
મંડપ માંહે પેઠા સર્વે, વરવાને કન્યાય રે.
કન્યા વરવા પેઠા સર્વે, નળને વળી પંચદેવ;
અદ્ભુત શોભા થઇ રહી, દેવ થંભ્યા તત્ખેવ.
વિધ વિધ આસન ગોઠવ્યાં; બાજઠનો નહિ પાર;
તે ઉપર જઇ બેઠા ઘણા, કરે સારાસાર વિચાર.
પરિધ સરખા પુષ્ટ છે, પંચ ફણાળા મુકટ;
આકૃતિ હસ્તની છે મનોહર, મનમાં ઘણો છે દર્પ.
કેશાગ્ર શોભે શરાગ્ર ત્યાંહી, નાસિકા કીર જાણ;
નેત્ર પંકજ મનોહર ભ્રકુટી, તણાં શા હોય વખાણ.
આકાશમાં નક્ષત્ર શોભે, તેવા શોભે રાય,
દમયંતી ત્યાં સજ થઇ, સભા માંહે જાય.
સ્વરૂપ શોભા અતિ ભલી, તેણે મોહ્યાં સૈના મન;
જોનાર સહુ મનમાં ધરે, નારી મળે શુભ જીવન.
કાંઇક લીયે આખડી, જે મળે દમયંતી નાર;
અખંડ આરાધું શિવને, કરે કંઈક શક્તિ વિચાર.
કો વિષ્ણુની આરાધના, મન માંહે કરે બહુ;
કો કાલિકા અંબા આરાધે, વરવા ઈચ્છે દમયંતી સહુ.
એવી અલૌકિક નારીએ, કર્યોં મંડપ પ્રવેશ;
દૃષ્ટિ સંમીલન થઇ, થયો ઘણો ઉજેશ.
તૃપ્તિ થાય ન કોઇને, નર નામધારી જે;
દમયંતીને નિરખતા, ઢળ્યા નૃપતિ પૃથ્વીએ.
દમયંતીએ નિરખિયા, પંચાકૃતિ નળ એક;
વારંવાર આવલોકિયું, નવ રૂપમાં મીનમેખ.
નળરાય ન ઓળખ્યો, નારી પામી દુઃખ;
નળતણું ચિંતવન કરે, દેવ પમાડો સુખ.
દેવ નળ હું કિમ લહું, એમ કરે તર્ક અપાર;
ચિંતવન કરતી ચતુરા વળી, ગ્રહે ન સાચો સાર.
વૃદ્ધ સાધુ મુનિથકી, સુણ્યાં સુર નરનાં ચિન્હ;
પંચમાં તે નવ જણાયે, નવ જણાયે કોઇ ભિન્ન.
વારંવાર નિશ્વાસ મૂકી, કર્યો ઘણો વિચાર;
શરણ જાવું દેવને ધરી, કર્યો છે નમસ્કાર.
થર થર કંપે કામિની, દીન સ્વરે બોલી બાળ;
હે દેવના સહુ દેવ આવ્યા, દેખાડો નળ ભૂપાળ.
હંસપક્ષીએ જે કહ્યો, હું વરી નળ નિઃસંદેહ;
મન વાણીથી ન અન્ય ઈચ્છું, સત્ય કહો મનિસા જેહ.
સ્વયંવરનું વ્રત કીધું, પામવા નળ ભૂપ;
પૂજન કરી હું દેવ પ્રણમું, પ્રસન્ન થાઓ અનુપ.
વ્રત કેરી પ્રાપ્તિમાં, આપો નળ નરેશ;
નળ રાયને હું ઓળખું, એમ કરો સર્વેશ.
સ્વરૂપ ગ્રહો સ્વય સ્વયતણાં, તો થાય મન પ્રસન્ન;
બ્રૃહદશ્વ મુનિ ઉચરે ઇમ, સુણો ધર્મરાજન.
દીનવાણી સુણી દેવ, થયા મન રળિયાત;
શાસ્ત્રમાં જે વિધ કહ્યાં, તે રૂપ ધર્યા સાક્ષાત.
પ્રસ્વેદ નહિ અંગે વસે, નહિ મિષોન્મિષ નેત્ર;
કરમાઇ નહિ માળા ધરી, પ્રફુલ્લિત સુક્ષેત્ર.
નીરજ શરીર નિઝર તણું, પૃથ્વીથી ઉંચા જાણ;
દેવ એવા નરખિયા, કરૂં નળ તણું વિખાણ.
દેહ કેરી છાંય પડતી, કરમાયા પુષ્પની માળ;
રજ સંયુક્તે અંગ શોભે, જોઈ હરખી બાળ.
નેત્ર મિષોન્મિષ થતાં, પ્રસ્વેદ કણ મૌક્તિક;
મનહરણ જોયો ભૂપતિ, નળ શોભે સહસ્રાક્ષ સૌઉક્તિક.
દેવ ને નળરાય નિરખી, થઈ વરવા સજ;
ઉત્તરીય સાંધ્યું નળ તણું, જેમ વર કરિણીએ વર ગજ.
કંઠમાં વરમાળ અર્પી, સ્વામી કીધો જાણ;
હાહાકાર ત્યાંહિ થયો, વાગ્યાં અન્ય નૃપને બાણ.
ઋષિવર આનંદ પામિયા, સાધુ હરખ્યા ત્યાંહી;
સારૂં સારૂં મુખ વદે, ક્ષીરનીર મળિયાં આંહી.
ભીમ નૃપ આનંદ પામિયો, સંજોગ સારો જાણી;
ભાલણ પ્રમુ રઘુનાથના, શું શું કહું વખાણી.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
