chandrahas akhyan kadvu 17 - Akhyan | RekhtaGujarati

ચંદ્રહાસ આખ્યાન - કડવું ૧૭

chandrahas akhyan kadvu 17

વિષ્ણુદાસ વિષ્ણુદાસ
ચંદ્રહાસ આખ્યાન - કડવું ૧૭
વિષ્ણુદાસ

(રાગ - કેદાર ગોડી)

તાહરે દરસને મન મોહીઉં,

મ્રગાનયણીએ સાંહાંમું જોઈઉં;

તાંહાં દીઠો સુંદર હિય ચરતો,

તે દ્રષ્ટ પ્રભુ ઉપર કરતો.

તન ગઉર ઘાટ છે જેહનો,

ઘડતાં સનેહ અજને ઉપનો;

પગ પડઘી થોડી અતિ ચારુ,

જંગસ્થલ જાંણે અતિ વારુ.

તેની દ્રષ્ટ રક્તવરણી સોહે,

પૂછે તો ચામરવત મોહે;

તેની કેસાવલી કૂકમ સલી,

કરણ શોભા શું કરું વલી.

તારા મોરડાનું નવ થાયે મૂલ,

રત્નજડિત છે તે જાજૂલ;

તારું કનક પલાંણ સોહાંમણું,

સું વરણવ કરીએ તેહ તણું.

એવો રતનજડિત શોભા સજી,

કો માહારાજનો હે વાજી;

રખે ઘોડા તું હણહણે,

મારી વિનતી તું શ્રવણે સુણે.

તાહારો શબ્દ સુણીને જાગશે,

તારે પુરુષ કેમ જોવાશે;

પછી ચરણથકી તજી વાહાંની,

તે દાસીને આપી છાંની.

પગથી નેપૂર ઊંચાં લીધાં,

તે શબદ રહિત શોભા કીધાં;

ભુજ કંકણ તે ઊંચાં ઝાંપે,

કટ કંકણ તે હસ્તે ચાંપે.

છાંની અંત્રીખ પગલાં માંડે,

આગલો પરઠે પાછલો છાંડે;

ઘોડા તારો રૂડો વાંન,

રખે તું ધણીને કરતો સાંન.

એમ કરતાં આની રાય પાસે,

કાંઈ એક લાજે ને મંન વિમાસે;

કરી પાલવ અલગો મુખ નીરખે,

તે જોતાં વિષયા હરખે.

જાણે ચંદ્રબિંબ પૂરણ કલા,

તે નીરખતાં થઈ વાકુલા;

પછે જુએ તો સુંદર ધાંમ,

પછે મનમાં પાંમી અભિરાંમ.

તેનાં લોચન જાંણે અંબુજ ફૂલાં,

તે જોઈને વિષયા ભૂલાં;

નિજ ચાર કપોલ સેજે હસે,

કો રુચિર સુધા અમૃત વસે.

તેની નાસિકા કીર સોહાંમણી,

જાણે ગ્રીવા ઉદર બાંધો મણિ;

તેનું દરસન જોતાં હીરાવલી,

જડિત્ર કવિન જાંણે સસી ચલી.

ભુજ પ્રચંડ કટ કેસરી,

તે જોતાં સુધ વીસરી;

વ્રક્ષ વિશાલ સૂક્ષ્મ કટિ

તે નીરખતાં થઈ એક ઘડી.

તેનાં ચરણકમલ જાંણે રવિશશી,

નખમણિ જોતાં હીરાવશી;

અંગ અંગ તેહ ઉદાર,

જાંણે મનમથ કેરો અવતાર.

ધન્ય ધન્ય કો માંહતિ,

જે પાંમશે એહવો ભૂપતિ;

રહી દૂર થકી નીરખે સતી,

વિષયા જાંણે ચિત્ર લખી.

એહવે કસ દ્રષ્ટે પડી,

જાંહાં કાગલ બાંધ્યો છે બીડી;

પછે રુંધો સાસ ને ગઈ પાસે,

કાગલ શો બાંધ્યો દિસે.

તે શનૈ શનૈ છોડી લીધો,

પટ બીડો થો અલગો કીધો;

સરનાંમું જોતાં વિસમે થઈ,

કાંઈ કાજગરો દિસે સહી.

તતખેવ ઉકેલ્યો વદી,

કુંતલીકપુર જોતાં આનંદી;

સ્વસ્ત શ્રી કુંતલીકપુર સ્થાંને,

ચિરંજીવી તું મદનમાંને.

રાયે કોસંધનો કુંવર જેહ,

મેં તુજ કને મોકલ્યો તેહ;

રૂપકલા ને લાવંન,

જોઈશ મધુર વચંન.

એની શીલ ચાતુરી જે છે સાર,

જોઈશ એહના શણગાર;

જંમતંમ કરી એને વિષ દેજે,

પછે સુખ પાંમી રાજ કરજે.

તે વાંચીને સુખ નવ પાંમે,

પછે માત ઉમિયાને શિર નાંમે;

આઈ ભવાંની જગત માતા,

કામ અભિલાષની તું દાતા.

મેં તાત કને માગ્યો વર,

તેં મોકલીઓ જોઈ સુંદર;

મારો ભાઈ એહ કાગલ વાંચશે,

તો વિષ દેઈ એહને મારશે.

પછે હાસ વાયક તાંહાં કેવાસે,

છે સવલું તે અવલું થાસે;

મમ તાત તણી બુધ્ય સબલી ગઈ,

કાંઈ કારણ તાં દિસે સહી.

કે વસુંધરા શું થઈ આડી,

કે કાગલ લખતાં રાત પડી;

કે અથવા શું ધ્રૂજ્યો હાથ,

શો કહીએ ઉતપાત

કે વચમાં કોણે વાત કરી,

તેણે તે ગયા વીસરી.

કે વર જોતાં હરખે ભરા,

તેણે ગઆ વીસરા;

એણીપેર્ય કરતી આલોચ,

હવે અક્ષરનો કીજે સોચ.

પછે કાજલ રસ સલીએ ભરી,

વિષયા લખીસ સુધ કરી;

પ્રેમે કરી અક્ષર સાંધ્યો,

પટ બીડીને પાછો બાંધ્યો.

પછે માત ઉમયાની સુત્ય કરી,

મુજને દેજો એહ હરિ;

પછે શનઈ શનઈ પાછી વલી,

પોતી ત્યાં મનની રલી.

કટ અંબર કાછ ભીડો હાથ,

તે દૂર થકી નરખો નાથ;

તારે નારદ કે સુણ ઉપાય,

તેનાં કોટ વિઘન મિથ્યા થાય.

બોલા જઈમુન જનમેજે રાય,

તેનું તુજને કહું ઉપાય;

જેની સાર કરે શ્રી જદુરાય,

તેને અવલાનું સવલું થાય.

સ્રોત

  • પુસ્તક : ચન્દ્રહાસ-આખ્યાન (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2017