
(કડવું ૧લું)
હરિ ગુરુ સંતને સમરીએ ને વળી, ચોથા તે ગણપતિ દેવ રે;
રિદ્ધિસિદ્ધિ ને લક્ષ લાભ આપે, તેની સહુ પે’લી કરીએ સેવરે.
ગાવા તે ગુણ હરિભક્તના, જેને સત્યે થંભ્યો આસમાન રે;
સત્ય વિના કદી સાહેબ ન રીઝે, મરને પઢે વેદ પુરાણ રે.
સગાળ શેઠ ને સંધ્યાવતી, જો જો નેમવંતી નરનાર રે;
એક સાધુ જમાડી પછી પોતાને જમવું, એવો અહોનિશ ધર્મ ઉદાર રે.
એક સમયે એને અટક પડી ને, મેઘ મંડાણો મુસળધાર રે;
પર્જન્ય રૂઠ્યો દિન આઠ સુધી, તોયે સત ન છોડે પડકાર રે.
વરસીને રહ્યો ત્યારે વકીલ તેડાવ્યા, તમે દેખોને દોદશ ધાઈ રે;
અભ્યાગત વિના મારે અન્ન ન ખપે, તેનો કરોને કોક ઉપાઈ રે.
વાણોતર ચાલ્યા ગોતવા, જોયું નગર ને હરિદ્વાર રે;
તળાવની પાળે એક તપસ્વી દીઠો, તેનો આવીને કહ્યો સમાચાર રે.
સગાળ શેઠને સત્ય મુકાવાને, કોઢી થયા કરતાર રે;
આવી દેવળમાં ઊતર્યા, જેણે શરીર કર્યું છે બેજાર રે.
શેઠ તે કાને સાંભળી ધ્રોડ્યા, અણવાણા ઉજાઈ રે;
પરિક્રમા દઈને પાય લાગ્યા, એને હૈડે હરખ ન માય રે.
દુર્ગંધ આવે ને ભૂત નાસે, વળી મળે તેમાં ખાય નેક રે;
તોય ન ડગે મન શેઠનું ભાઈ, એવી મોટાની ટેક રે.
તેનાં ચરણ ધોઈ ચરણામૃત લીધાં, મારાં સીધ્યાં તે સર્વે કાજ રે;
કર જોડીને પછે કહેવાને લાગ્યો, મારે મંદિર પધારો મહારાજ રે.
સત્યવાદીએ સાહેબને ઓળખ્યા, એનો માનવી શું જાણે મર્મ રે;
ભોજલના સ્વામી મારે ભુવન પધારો, મારી રાખોને લાજ ને શર્મ રે.
(કડવું ૨જું)
અતીત વાણી ઊચરે તમે સુણો, શ્રીમંત મારી વાત રે;
મારી કાયા મારે હાથ નથી, મુને પીડા કરે છે ઉત્પાત રે.
રથે રેવંત જોતરું, માંહી ગાદી નખાવું ગોપાળ રે;
તેડીને બેસારું તમને ત્રિકમા, તમે દયા કરો દીનદયાળ રે.
સાધુ કહે છે શેઠને ઘોડા વહેલનું નહિ મારે કામ રે;
અભ્યાગતને રહેવું એકલું તમો મા લેજો મારું નામ રે.
પ્રભુજી મંગાવું પાંજરું આંહી, ઝાઝી કરાવું જતન રે;
પવન ન લાગે એવા પડદા બંધાવું, રાખે રાંક જેમ હાથ રતન રે.
અભ્યાગત એણી પેરે બોલિયા, હું તો તો આવું નગર મોઝાર રે;
તારી નારી આવે તેડવા, નીકર બેઠો છું હું તો મોરે બાર રે.
મન ગમતું ખાવું અમે માગીને લેશું, એમાં જાશે તમારો ભર્મ રે;
સર્ભંગી સાધુને સોત્ય નહિ ઝાઝી, ભાઈ કઠણ અમારું ખટકર્મ રે.
હરખેથી હરિજન ચાલિયો, ને આવ્યો પોતાને ઘેર રે;
પત્નીને લાગ્યો પૂછવા, આપણે શી કરવી એની પેર રે.
સતી કહે છે સ્વામી મારા, તમે ઢીલ ન કરજો લગાર રે;
તત્ક્ષણ જઈએ આપણ તેડવા, એ તો માનવી નહિ છે મોરાર રે.
સામૈયું લઈને સન્મુખ ચાલ્યાં, ગયાં પૂર્વ જન્મનાં પાપ રે;
ભોજલના સ્વામીને ભેટતાં, એના દળી ગયા ત્રિવિધ(ના) તાપ રે.
(કડવું ૩જું)
કનક હિંડોળી ને કરંડિયો માંહી, જુગ્તે બેસાર્યા જદુવીર રે;
સંધ્યાવતીએ જ્યારે શિર પર લીધા, ત્યારે ભીંજાણા સતીનાં ચીર રે.
નગરના લોક ટોળે મળ્યા, વળી જોવાને વર્ણ અઢાર રે;
અન્યોઅન્ય વાણી ઊચરે, માંહી હાંસી કરે છે હજાર રે
ઊનાં જળ મેલીને સ્નાન કરાવ્યાં, વળી પોઢાડ્યાં પલંગ બિછાઈ રે;
ચંદન ચરચે હરિનાં ચરણ તળાંસે, વળી વીંજણે ઢોળે છે વાઈ રે.
પ્રેમ કરીને પ્રસાદ નિપાયા, મીઠા મેવાને પકવાન રે;
હાથ જોડીને આગળ હરિજન ઊભા, તમો આરોગો મારા શ્યામ રે.
અન્ને કરી દેહ મારો અગ્નિ કરે છે, મારે છે માટી કેરો હાર રે;
ઉત્તમ વરણ તમે એ કેમ કરશો, મારે એ જ મોટો છે વિચાર રે.
કસાઈવાડેથી તરત મંગાવ્યું, જેણે મેલી લોકની લાજ રે;
ભાગ્ય મોટાં હરિ ભુવન પધાર્યા, ધન્ય ધન્ય દહાડો મારે આજ રે.
અનેક રૂપ અમે અહોનિશ કરીએ, ને વળી રહીએ વનમાંહી રે;
અઘોરપંથીને એક હાર માણસનો, વિના બીજું ન ખપે મારે કાંઈ રે.
નરને નારી મળી એકઠાં, હવે શો તે કરવો ઉપાય રે;
પ્રભુજી જોવાને આવ્યા પારખાં, જો ના કહીએ તો સત્ય જાય રે.
પુત્રને ચાલી પૂછવા ગયો, નિશાળે શેઠ સગાળ રે;
સુતને કહે છે કે એક સાધુ આવ્યો છે, કરવા તમારો દેહકાળ રે.
સેલૈયો કહે સત્ય કેમ મેલીએ રે, મરની જડામૂળથી જાય રે;
ભોજલ કહે સત્યવાદી ભાઈડા રે, એ તો અટક પડે ઓળખાય રે.
(કડવું ૪થું)
પિતાજી કાયા તો રે અંત પડવાની,
બોલ્યા બુદ્ધિ ઉજાગર બાળ રે;
સાધુને હાથે મારું મૃત્યુ સુધરશે,
ટળશે જન્મ મરણનો જંજાળ રે.
આગે મોરુધ્વજે પિતા! અંગને વહેરાવ્યું,
કર્ણે કીધું કાયાનું દાન રે;
શિબિ રાજાની માટી છાબે તોલાણી,
ત્યારે રીઝ્યા’તા ભગવાન રે.
હરિશ્ચંદ્રને માથે પિતા! હેલ પાણીની,
એવો દૈવે દીધો’તો દંડ રે;
સત્યવાદી બંદા કદી સત્ય ન છોડે,
મરની ભાંગી પડે બ્રહ્માંડ રે.
હિંમત રાખો પિતા હાર મ પામો,
તમે જુઓ મોટાના મર્મ રે;
પરમાર્થ સારું આગળ પ્રાણ હોમ્યાતા,
તોય છોડ્યા નો’તા સત્યધર્મ રે
દધિચિ ઋષિને જાચ્યા દેવતા,
જેના વાંસાનું કરવા વજર રે;
કુ’વાડે અંગને માંડ્યું કાપવા,
તોય બોલ્યા નહિ બુદ્ધિના સાગર રે.
શિર(તો) મળશે પણ આવો સમય નહિ મળે,
ઘરે મોહન થયા છે મહેમાન રે;
અવસર આવ્યે પાછાં પગલાં ન ભરીએ,
કરીએ તન મન ને ધન કુરબાન રે.
એવો પડકારો જ્યારે પિતાને કીધો,
ત્યારે હરિજન થયા છે હુશિયાર રે;
પુત્રનાં વચન કાને સાંભળીને,
એની છાતીમાં પડી ગયા શાર રે.
ચાકેથી પિંડો જેમ સર્વી ઉતારે,
એમ સેલૈયે કાપ્યું શીશ રે;
આગળ લઈને અર્પણ કર્યું,
ત્યારે જોઈ રહ્યા જગદીશ રે.
બહુનામી કહે છે બાઈને રે,
તમે સોળ કરો શણગાર રે;
ગાતાં (ને) વાતાં હસ્તાં શબને સુધારો ,
તમે રખે (કોઈ) રોતાં નહિ લગાર રે.
કળપિત દાન હું તો કોઈનું નથી લેતો,
મારે આગુની છે એવી ટેવ રે;
ભોજલનો સ્વામી કહે છે ભાવે કરીને,
હવે તૈયાર કરોની તતખેવ રે.
સતીએ તે કાજલ સારિયાં ને રે,
ખાંડવા બેઠાં તેણીવાર રે;
હાલરડાં ગાતાં બાઈ હરખેથી,
(કીધું) તમે ભોજન કરો નંદકુમાર રે.
સાર હતું તે તમે શીંકે ચઢાવ્યું,
આ કાયા આણો છો મારે કામ રે;
ભૂખે મૂઆની ભાળી ભક્તિ તમારી,
મને મેલી આવો મારે ઠામ રે.
ખાંડણિયામાં માથું વહાલે ફરી ખંડાવ્યું,
કહેવા લાગ્યા વચન કઠણ રે;
સુરપતિ તાપ તેનો સહી ન શક્યો,
ભાગ્યો ઇંદ્ર મેલીને ઇંદ્રાસન રે.
જમવા ટાણે જોગેશ્વર બોલ્યા,
તમે સાંભળો મોરી માઈ રે;
વાંઝિયાનું અન્ન ખાવું વરજિત છે,
એમ શ્રુતિ કહે છે સમજાઈ રે.
દૈવને કહે છે એક રમત દેખાડું,
હવે માટી થાજે મહેરબાન રે;
તુંને આવી ટેવ મુકાવું ને,
કૃષ્ણ ઝલાવું કાન રે.
પંચમાસનો ગર્ભ અમારે,
અમે વાંઝિયાં નથી મોરા નાથ રે;
સતીએ ઉદર જ્યારે ચીરવા માંડ્યું,
ત્યારે હરિએ તે પકડ્યા હાથ રે.
ધન્ય ધન્ય સત્યવાદી તમે ધર્મ રાખ્યો,
જોયું મરજીવું તમારું મન રે;
સુતને વેધીને મારું સન્માન કીધું,
એમ શ્રીમુખ બોલ્યા વચન રે.
માગ્ય માગ્ય સત્યવાદી તને શું જ આપું,
એમ કહે છે કરુણાનિધાન રે;
આવી કસણી ન દેજો રે કોઈને,
સ્વામી એ માગું વરદાન રે.
પરબ્રહ્મ પોતે પ્રગટ થયા,
જેનો વેદ ન પામે પાર રે;
સેલૈયાને સજીવન કીધો,
ત્યારે વરતાણો જેજેકાર રે.
સેલૈયા આખ્યાન તમે સાંભળો,
એવી રીતે રીઝ્યા’તા રામ રે;
ભોજો ભગત એમ બોલિયા,
જેનું નવખંડમાં રાખ્યું નામ રે.



સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ