batris-lakshanaa no bhog - Akhyan | RekhtaGujarati

બત્રીસ-લક્ષણાનો ભોગ

batris-lakshanaa no bhog

વૈકુંઠ વૈકુંઠ
બત્રીસ-લક્ષણાનો ભોગ
વૈકુંઠ

ભીમસુત ત્યાં આવિયો સુણી વનમાં વાત,

'તાતની પક્ષે જજો,' એમ વદે વાણી માત.

'ભીમ પાંડવ તાત તારો યુધિષ્ઠિરનો ભ્રાત,

કૌરવ સાથે યુદ્ધ કરવા રચ્યું ભારત ખ્યાત.'

પુત્ર કહે : 'માતા સુણો. જોવા જશું અશ્વમેવ,

પ્રથમ કેની પક્ષ નહિ, જીત્યા હણું તત્ખેવ.'

ત્યાં થકો સુભટ સંચર્યો, આવ્યો પાંડવ પાસ.

'વૃકોદરનો પૂત છે,' ધન્ય ધન્ય વદે અવિનાશ

એવાં વાયક સાંભળીને ભડ બોલ્યો મુખથી વાણ.

'મેં તો મારા મન માંહ્ય વિચાર કીધો જાણ.

અઢાર ક્ષોણી દલ મળ્યું છે. કૌરવ-પાંડવ જેહ

કુટુંબ સર્વે ત્યાં મળ્યું છે યુદ્ધ કરવાને તેહ,

તે માટે સાચું કહું, સ્વામી, પ્રથમ યુદ્ધ નવ થાય.

મારા ગુરુની વાચા છે જે, 'હાર્યાની ગમ જાય.'

ક્ષત્રી કેરો ધર્મ છે : અનાથ-વહારે થાય.

યુદ્ધ કરતાં હારશે કરવી તેની સાહ્ય.'

ભીમ અર્જુન એણી પેરે બોલ્યા : 'બબ્રિખ, સુણ કહું આજ,

કૌરવ સર્વે કરી પ્રાજે, આપ અમને રાજ.'

પિતા તણાં તે સુણી વાયક બોલિયો તેણી વાર;

'હમણાં પક્ષ નહિ કોની, બેસી રહું એક ઠાર.

દલ જેનું અંતે હારે, જોઈશ તેણે પાસ;

રણે યુદ્ધ કરતાં ઓસરે, પૂરું તેની આશ.'

તે વેળા શ્રીહરિ ઓચર્યા, 'આવડો શો આણ ગર્વ?

બળ વીર્ય જે હોય તારું કહે મુજને સર્વ.

આયુધ નામે ત્રણ શરિયાં, અવર નહિ ત્યાં એક,

શત્રુ શી પેર જીતશો? કારણ કહે વિશેખ.'

વૃકોદરસુત બોલિયો : 'સાંભળો સાચું, શ્યામ.

અર્થ શો ત્રણનો મારે? શરિયાં બેનું કામ.

પ્રથમ બાણ જે મૂકું પેલું, તે મૃત્યુ ઠામ જોઈ આવે.

બીજું મૂકું તેહ ઉપર તત્ક્ષણ પ્રાણ લાવે.

તમ પ્રતાપે બળ છે પૂરણ, હું શું આપ વખાણું?'

એમ કહી ભાંજ્યો શરિયો એક, બે રાખ્યા તે પાસ;

એક બાણ મૃત્યુ જોઈ આવે, બીજે પામે નાશ.

કૃષ્ણ કહે : 'સુણો અર્જુન, શો કરવો પરપંચ?

હોય ત્યાં આપણને વાત આવે સંચ.'

ભીમપુત્ર પ્રાક્રમી જાણી બોલ્યા શ્રીયદુવીર :

'જો હમણાં તું હણે મુજને તો તને જાણું ધીર.'

ભીમસુત કહે : 'હણું હમણાં,પણ મુજને લાગે પાપ.'

એમ કહી વધાર્યું મંડલ, પગ ઘાલ્યા પૈયાલ.

'અરે વીર, વેગે ચાલો,' બોલ્યા દીનદયાળ.

ભીમસુત તવ થયો વિસ્મે, એક શરિયો નાખ્યો ધરણ્ય.

અવનીતલ-પડ સાત શોધી લાગ્યો હરિને ચરણ્ય.

વૈરાટરૂપ તણે ચરણે હતું પદ્મ જ્યાંહ,

આલેખીને બાણ આવ્યું પદ્મ ત્રીજે ત્યાંહ.

વૈરાટરૂપ સંવરી બોલિયા સારંગપાણ :

'અરે વીર, તે મેં માન્યું સાચું, વાત નિરવાણ.'

કૃષ્ણ કહે : 'અર્જુન, સુણો, ભીમસુત બળવંત,

દુર્યોધનને સાહ્ય થઈને આણશે સહુનો અંત.

તે માટે આપણે એમ કરો, તે પ્રથમ મારો એહ;

તો તમે જે પામશો, નહિતર તજશો દેહ.’

વૈરાટ દ્રુપદ એમ ઓચરે : 'જો પામે મરણ,

શત્રુ કૌરવદળ જીતીને ભોગવશો તમે ધરણ.'

વિચાર એવો કરી મનમાં ભીમસુત તેડ્યો તે વાર,

'વાણી સહુ કો સાંભળો, કરવો છે વિચાર.

અનેક દળ મળ્યું છે અહીં, નાના વિધની રીત.

જો બત્રીસો મુખે હોય તો તેહ પુરુષની જીત.

લક્ષણ બત્રીસ શ્રીકૃષ્ણને, કાંઈ વળી અર્જુન વીર;

ત્રીજો ત્યાં બબ્રિખ બળિયો શૂર સમરથ ધીર.'

કૃષ્ણ કહે : 'તમે સુણો, પાંડવ, સિદ્ધ હોય તમ કાજ.

હું ભક્તને અર્થ અવતર્યો, મારે નથી તેની લાજ.'

અર્જુન કહે : 'હરિ, સાંભળો, શું બોલ્યા વાણ?

આધાર સહુને એટલો, કેમ જીવીએ ભગવાન?'

અર્જુન કહે : 'હરિ સાંભળો, ધર્મનાં કરજો કાજ;

વેગે અમને વેધીએ, કારજ કરો, મહારાજ.'

સુણી વાણી કૃષ્ણ બોલ્યા : 'તુજ વિના નવ સરે કામ :

કોણ કૌરવ જીતશે, સન્મુખ કરી સંગ્રામ?'

સર્વ રાજા બોલિયા : 'અર્જુન, કેમ હોય?

વળી સર્વે ઘેર જાશે, રણસ્થંભે રહે નહિ કોઈ.'

બબ્રિખ બોલ્યો : 'સુણો શ્રીપતિ, કરો મારો નાશ;

જીત હોય જો તમ તણી તો અમે છું ઉલ્લાસ.

દેહી, કાકા, છે તમારી, જે કીજે મન ભાવે;

સ્થિર નથી રહેવું નર કોણે, મને દોષ નવ આવે.'

ફરી વચન તવ હરિ બોલ્યા : 'ધન્ય ભીમકુમાર;

પાંડવ-અર્થે અંગ દેશે, જીતિયો સંસાર.

પિતા-અર્થે અંગ આપે, તાતની કરે સેવ;

રઘુનાથ સરખે પાળિયું તાત-વચન અશ્વમેવ.

હરિચંદ-સુત એક સતવાદી પાળતો તાત-વચંન;

પિતા-અર્થે દેહ વેચ્યો, વિપ્રઘેર તે તંન.

ધ્રુવે તાત-વચન પાળ્યું, વન ગયો'તો વીર;

તેના પુણ્યપ્રતાપથી ત્રૂઠા શ્યામશરીર.

આરુણિનો સુત ઋષિ મોટો ઉદ્દાલક જેનું નામ;

તેનો તે સુત નાચિકેતા, તેણે સર્વ દીઠાં ઠામ.

પિતા-વચને ગયો હતો યમપુરી, તે જાણ;

નીરખી સ્વદેહે તે આવ્યો પછી પ્રસન્ન હુવા સારંગપાણ.'

સુણી વાણી વદે દ્રુપદ : 'સુણો, શ્રીભગવાન;

કથા સર્વે સાંભળી, સુણો સર્વ રાજાન.

વિચારીને વદે વિષ્ણુ, સાંભળે સર્વ રાય;

બબ્રિખે ઊઠી સભામાંહ્ય તવ શિર મૂક્યું પાય.

'વચન જો પાછું કરું તો મને લાગે ખોડ;

કૌરવ-પાંડવ-વધ જોવાને હુતો મનમાં કોડ.

અઢાર ક્ષોણી દળ મળ્યું કૌરવ-પાંડવ જેહ;

કોણ શીષે જશ આવશે જોવાનું મન તેહ.'

વચન સુણી અર્જુન પ્રત્યે વદે શ્રી જગદીશ;

'યુદ્ધ જોવા વાંછતા તો અમૃત કીજે શીષ.'

શ્રવણ ચક્ષુ ને મુખ જીભ અમર કરે અવિનાશ;

અવર અંગનો ભંગ, હોય યુદ્ધ-અભ્યાસ.

વિચાર એવો કરી કૃષ્ણે અમૃત ખેવ મગાવ્યું;

યુધિષ્ઠિર આદિ દઈ પાંડવ સેર્વેને મન ભાવ્યું.

અમૃત તે બબ્રિખને મુખ મેલ્યું આપી;

કંઠ લગી તે પરવર્યું તત્ક્ષણ નાખ્યું કાપી.

ધડ પડ્યું પૃથ્વીતલ-મધ્યે, મસ્તક રહ્યું સાવધાન;

મુખ બોલે ને ચક્ષુ દેખે, શ્રવણે કરે પાન.

એવી યુક્તિ તણું મસ્તક શમી વૃક્ષે લઈ થાપ્યું;

'જા પૃથ્વીતલે પૂજા કરશે, એવું અભેપદ આપ્યું.'

મસ્તક સજીવન થઈ બેઠું જોવાને સગ્રામ;

બબ્રિખ એવો શબ્દ ટળીને શ્રીખંડ પરઠ્યું નામ.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941