abhimanyunun yuddh - Akhyan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અભિમન્યુનું યુદ્ધ

abhimanyunun yuddh

પ્રેમાનંદ પ્રેમાનંદ
અભિમન્યુનું યુદ્ધ
પ્રેમાનંદ

વૈશંપાયન વદે વળતું, સુણ જનમેજય ભૂપાળ;

ખટ રથીએ કષય કરી, માર્યો અર્જુન કેરો બાલ.

(ઢાળ)

બાળક સવ્યસાચી તણો ને સુભદ્રાનો જાયો,

ખટમે કોઠે ખંખારીને, કૌરવ ઉપર ધાયો.

પરોઢ સમે પાંડવે, તે જુદ્ધ માંડ્યું પુનરપે;

અભિમન્યુ શોભવાને લાગ્યો, વીંટ્યો ચોદિશા સર્પે.

પાંડવ પાંચાળ ને સાત્યકી, વૈરાટ ને દ્રુપદ;

ગડગડી પેઠા છઠ્ઠે કોઠે, જેને બળનો મદ.

ત્રાહે ત્રાહે બોલ્યો દુર્યોધન, હાથ બંને ઘસીયા;

‘પેઠા પાંડવ’ કહેતા માંહે કૌરવ જોદ્ધા ધસીયા.

કૃપ દ્રોણ ને કર્ણ, કૈતવ, શકુનિ ને અશ્વત્થામા,

દુઃશાસન દુર્મુખ ને જયદ્રથ, ચાલ્યા સોમદત્ત સામા.

બાહૂલિક શલ્ય ને દુર્યોધન, ભેજ ને ભૂરિશ્રવા,

ખટમે કાઠે સુભટ સર્વે, સેળભેળ ત્યાં હવા.

રથશું રથ, તૂરીએ તૂરી, વઢે હાથીએ હાથી;

ખડગ ખપુઆ તોમર, ત્રિશૂળ સબળ વાવરે સાથી.

ટોપ ટાટર સલે બખતર, પાખર ત્યાં કપાયે;

શ્યામ રુધિરની નદી ભયંકર, ખળકે વહેતી જાયે.

કુંજરના મસ્તક કાચબા સરખાં, મીન–વીર લોચન;

ભડના ભુજ ભુજંગ સરખા, મગર માથા વિહોણાં તન.

શેવાળ વાળ વીરના શીશના, છોળ રુધિરના છાંટા;

પડે પ્રાક્રમી પાયે અટવ્યા આંતરડાના આંટા.

માંસપાળ બાંધી બેઉ પાસે, એવી ભયાનક નદી;

શું કહું જનમેજય રાજા, મુખ વાણી નવ જાય વદી.

કુરુક્ષેત્ર લોહિયાળું દીસે, જાણે ફાલ્ગુન ફૂલ્યો પલાશ;

સૌભદ્રેના માર આગળ કરે કૌરવ નાસાનાસ,

અમરગણ અંત્રીક્ષ આવી કરે પુષ્પની ધાર;

અભિમન્યુ પેઠો કોઠામાં, વ્યૂહ કીધો તારોતાર.

નાઠા કૌરવ ખટ રથી, તે ગયા સાતમે વંક;

ચાર પાંડવ જયદ્રથે ખાળયા તે દેખી રહ્યા આશંક.

સદાશિવની વાણી સફળ જયદ્રથને ત્યાં થઈ;

અભિમન્યુની પૂઠે ચાર કાકા કો શકે માંહે નવ જઈ.

સરિતાની પેઠો અભિમંન, બાણ મૂકે એકી મૂઠે;

મનમાંહે વિચારે છે જે સર્વ આવે મારી પૂઠે

એમ કરતાં આવી ગયું એક પ્રથવીનું નીચાણ;

ખટ રથી ત્યાં કાળ સરખા રહ્યા ચડાવી બાણ.

અભિમન્યુએ પૂઠે ફરી જોયું તો નહિ કાકાકેરો જોડો;

અરે કૌરવે કપટ કીધું છે, આગળ બાંધ્યો છે ઓડો.

દ્રોણ દ્રૌણિ ને ભૂરિશ્રવા, શલ્ય કર્ણ વળીયા વીંટી;

અભિમન્યુએ વિમાસિયું, હવે જીવ્યાની આશા ફીટી.

એવે બહુ સેના લઈ આવ્યો પૂઠેથી દુર્યોધન;

શત્રુસાગર માંહે બૂડ્યો સવ્યસાચીનો તંન.

કહે દુર્યોધન ખટ રથીને, ભાઈઓ શું વિચારો;

આવો, છોછો નહીં મળે, એને સર્વે મળીને મારો.

કહેતાં માંહે બાણ છૂટ્યાં, કુંવરને લીધો ઢાંકી;

અભિમન્યુને કોણ ઉગારે, પડી તે વેળા વાંકી.

એકધા દશધા શતધા સહસ્રધા, કોટિધા આયુધ;

અંધકાર હોકાર પડે, ત્યાં કીધું કપટે જુદ્ધ.

તેણી વેળાએ સૌભદ્રે, આપ-રૂપ ત્યાં હોયો;

કૌરવરૂપી સાવજાં ને, અભિમન્યુ ત્યાં ટોયો.

સુભટવિદ્યા પ્રકટ કરતો, ને રીસ અંતર વ્યાપી;

નિમિષ માંહે અનેકને, કૌરવ નાખ્યા કાપી.

કાઢે ત્રાડે ચડાવે મૂકે શર કરીને શરત;

રથ ઉપર ફરવાને લાગ્યો, જેમ નટુઓ કરે નરત.

પાવક જેમ પ્રગટ થાયે ને બાળે તૃણ દર્ભ;

ઇંદુ જેમ અળગો નીસરે, નિવારીને અભ્ર;

તેમ સહસ્ર છાયા છેદી, અભિમન્યુ નીસર્યો નિરાળો.

સો સો બાણે પૃથ્વી પાડ્યા, દ્રોણ ને દ્રોણનો સાળો.

રથ ઉડાડ્યો અશ્વત્થામાનો, જેમ વાયુથી સૂકું પત્ર;

દુર્યોધન કીધો લૂટ્યાં સરખો, છેદ્યાં ધજા ને છત્ર.

સારથી માર્યો શલ્યનો, ને કર્ણનું છેદ્યું કપાળ;

મૂર્છા પમાડ્યો દુશાસનને, કરે કૌરવ કાગારોળ.

કૃતવર્મા યાદવ સોમદત્ત, તે સર્વ ગયા રણ છાંડી;

શું કહું જન્મેજય રાજા, તે જુદ્ધને હું માંડી.

પછી પ્રદ્યુમ્નને સંભારીને મૂકયું અગ્ન્યાસ્ર બાણ;

રતિપતિની પાસે ભણ્યો'તો ધનુવિદ્યા સુજાણ.

તેણી વેળા પાવક પ્રગટયો, ઊઠી ભયંકર જ્વાળા;

અશ્વ ગજ રથ પાલખી બાળ્યાં, કૌરવ કીધા પાળા.

બળે અંબાડી ધજા કોની, નાસતાં દેહ દઝાડી;

કોના મુગટ ને કેશ બળતા, કોની મૂછ ને દાઢી.

બૂમ પાડે ને ફૂંક મારે, શરીરે થાય ભંભોલા;

તરફડે સેન્યા રણ વિષે, જેમ દવે દાધા હોલાં.

પછી ખટરથીએ રણ રાખ્યું, બાણે આણ્યો પર્જન્ય;

અભિમન્યુનો રથ તાણ્યો, ને ઓલવ્યો હુતાશન.

પવન પ્રયોજર્યો રથપુત્રે, નાઠો મેહ, થયું ધૂળકટ;

વેરી ઉરાડ્યા વાવંટોળિયે, ઉડાડ્યા દોહોવટ.

દ્રોણ-કર્ણે સર્પાસ્ર મૂક્યું, વાયુભક્ષી રથે વળગ્યા;

અભિમન્યુએ ગરુડાસ્ર મૂક્યું, નાગ થયા હું અળગા.

દ્રોણે ત્યાં પર્વતાસ્ર મૂક્યું, પડે પહાણ પ્રચંડ;

વજ્ર મૂક્યું પારથપુત્રે, શલ્યા કીધી શતખંડ,

(વલણ )

શતખંડ શલ્યા કીધી, કૌરવ સર્વ કોપે ચડ્યા;

સંજય કહે, રાય સાંભળો, પછે કુંવર ઉપર ત્રૂટી પડ્યા.

(અભિમન્યુ-આખ્યાન કડવું - ૪૮)

સ્રોત

  • પુસ્તક : કાવ્ય સંચય ૧ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : અનંતરાય રાવળ , હીરા પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981