આખ્યાન
આખ્યાન એક મધ્યકાલીન ગુજરાતી કથાકાવ્યનો એક કાવ્યપ્રકાર છે. આખ્યાનોના વિષયો પૌરાણિક અથવા રામાયણ, મહાભારત, ભાગવત ઈત્યાદિમાં આવતી કથાઓ ઉપરથી લીધેલા હોય છે. આખ્યાનની શરૂઆત મંગળાચરણ એટલે કે ઇષ્ટદેવની પ્રાર્થનાથી થતી હોય છે. આખ્યાન નાના મોટાં વિભાગોમાં વહેંચાયેલુ હોય છે. આ વિભાગને 'કડવું' કહેવામાં આવે છે. કડવાને અંતે 2 પંક્તિનું વલણ કે ઉઠલો આવે છે જેમાં ચાલુ કડવાનો સાર અને હવે પછી આવનાર કડવામાં બનનાર ઘટના વિશે સંકેત આપવામાં આવે છે. આખ્યાનના અંતે કવિ પોતાનો સંક્ષિપ્ત પરિચય, કૃતિની રચનાસાલ તથા તિથિ આપતો હોય છે. નરસિંહ પછી ભાલણ, નાકર ઈત્યાદી દ્વારા વિકસીને આખ્યાન-કાવ્ય પ્રેમાનંદમાં પૂર્ણરૂપે પ્રગટે છે. તેમના 'મામેરું', 'હૂંડી', 'સુદામાચરિત્ર', 'નળાખ્યાન', 'ઓખાહરણ', 'દશમસ્કંધ' વગેરે આખ્યાનો જાણીતા છે. અર્વાચીનયુગમાં દલપતરામ, સુન્દરમ્, કરસનદાસ માણેક, ચિનુ મોદી વગેરેએ પણ આખ્યાનસ્વરૂપ પ્રયોજ્યું છે.













