જય જગનાથ
jay jagnath
કરસનદાસ માણેક
Karsandas Manek
કરસનદાસ માણેક
Karsandas Manek
ડુંગર ટોચે દેવ વિરાજે, ખીણમાં ખદબદ માનવકીટ;
પરસેવે લદબદ ભગતો ને પ્રભુમસ્તક ઝગમગત કિરીટ!
જય જગનાથ! જય જગનાથ!
અવિનાશીને અન્નકોટના આવે નિત અમૃત ઓડકાર:
ખીણમાં કણ કણ કાજે મરતાં માનવ-જન્તુ રોજ હજાર!
જય જગનાથ! જય જગનાથ!
પ્રભુને નિત જરકશીના જામા : પલક પલક પલટાયે ચીર!
ખીણના ખેડુ આબરૂ-ઢાંકણ આયુભર પામે એક લીર!
જય જગનાથ! જય જગનાથ!
ખીણના ખાતર ખેડુ પૂરશે ધરતીમાં ધરબી કૃશ કાય;
ડુંગર દેવા જમી પોઢશે ઘુમ્મટની ઘેરી શીળી છાંય!
જય જગનાથ! જય જગનાથ!
કીડી કણ, હાથીનો હારો : સૌને સૌનું જાય મળી;
જગન્નાથ, સૌને દેનારો : અર્ધવાણી તો આજ ફળી!
જય જગનાથ! જય જગનાથ!
જગન્નાથનો જય પોકારો કીડીને કણ પણ મળી રે'શે;
ડુંગરનો હાથી તો હારો, દો નવ દો, પણ લઈ લેશે!
જય જગનાથ! જય જગનાથ!
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
