- Lokgeeto | RekhtaGujarati

કારતક મહિને મે’લી ચાલ્યા કંથ રે વ્હાલાજી!

પ્રીતલડી તોડીને ચાલ્યા પંથ, મારા વ્હાલાજી!

માગશર મહિને મુજને નો કહી વાત રે વ્હાલાજી!

આવડલી તે રીસ નો કરીએ નાથ, મારા વ્હાલાજી!

[માગશર મહિને મંદિર ખાવા ધાય રે વ્હાલાજી!

એકલડી દાસીના દિન કેમ જાય, મારા વ્હાલાજી!]

પોષ મહિને પડિયા મુજને સોસ રે વ્હાલાજી!

જોશીડા તેડાવો જોવે જોષ, મારા વ્હાલાજી!

[ભાઈ જોશીડા! જોજે રૂડા જોષ રે વ્હાલાજી!

કે’જે મારા કરમ કેરા દોષ, મારા વ્હાલાજી!]

મહા મહિનાની ટાઢ્યું મુજને વાય રે વ્હાલાજી!

હેમાળો હલક્યો તે કેમ રે’વાય, મારા વ્હાલાજી!

ફાગણ મહિને ફેર તણી છે હોળી રે વ્હાલાજી!

ફણિયાની પાડોશણ રંગમાં રોળી, મારા વ્હાલાજી!

ચૈતર મહિને ચિત્ત કરે છે ચાળા રે વ્હાલાજી!

ઘેર પધારો મોહન મોરલીવાળા, મારા વ્હાલાજી!

વૈશાખે કૈં વનસપતિ બહુ પાકી રે વ્હાલાજી!

પાકી છે કાંઈ દાડમડી ને દ્રાક્ષ, મારા વ્હાલાજી!

જેઠ મહિને જઈ બેઠા છે ઠેઠ રે વ્હાલાજી!

ઠેઠ જઈને ભરનિંદરમાં સૂતા, મારા વ્હાલાજી!

આષાઢીલાં ઘનઘેર્યાં આકાશ રે વ્હાલાજી!

વાદલડીમાં વીજ કરે પરકાશ, મારા વ્હાલાજી!

શ્રાવણ મહિને સડવડ દડવડ વરસે રે વ્હાલાજી!

નદિયુંમાં કંઈ છલકે બો’ળાં નીર, મારા વ્હાલાજી!

ભાદરવે તો ભરદરિયે હું ડૂબી રે વ્હાલાજી!

કંથ વિના કર ઝાલી કોણ ઉગારે, મારા વ્હાલાજી!

આસો માસે આવેલી દિવાળી રે વ્હાલાજી!

તમ કાજે હું સેવ વણું સુંવાળી, મારા વ્હાલાજી!

મેં જાણ્યું જે ઊજળું એટલું દૂધ રે વ્હાલાજી!

જાતે ને જનમારે માંડ્યાં જૂધ, મારા વ્હાલાજી!

મેં જાણ્યું જે લીલુડા એટલા મગડા રે વ્હાલાજી!

જાતે ને જનમારે માંડ્યા ઝઘડા, મારા વ્હાલાજી!

મેં જાણ્યું જે કાંત્યું એટલું સૂતર રે વ્હાલાજી!

ઘેર પધારો સાસુડીના પૂતર, મારા વ્હાલાજી!

નથી લખ્યો એક કાગળિયાનો કટકો રે વ્હાલાજી!

શીદ રાખ્યો છે દિલમાં આવડો ખટકો, મારા વ્હાલાજી!

સમદરિયા! તું શીદ ભર્યો છો ખારો રે વ્હાલાજી!

નથી એકે ઊતરવા કેરો આરો, મારા વ્હાલાજી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 347)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957